ગલ્ફ દેશોના યુધ્ધની અસર પરિવહન પર
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
ઇંધણની અછતની અફવા વચ્ચે ઇલેકટ્રીક વાહનની ઇન્કવાયરીમાં 3૦૦ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો : માર્ચમાં ૧૧,૧૨૬ EVનું વેંચાણ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ફાડા (FADA) ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ચ ૨૦૨૬ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ગલ્ફ દેશોમાં સર્જાયેલી અશાંતિના કારણે ઈંધણના ભાવો અનિશ્ચિત બન્યા છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. આ જ કારણ છે કે હવે ગુજરાતના વાહન ખરીદદારો પેટ્રોલ-ડીઝલના વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા પર વધુ ભાર મૂકી રહ્યા છે.
ગલ્ફ દેશોમાં ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર હવે ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટ પર જોવા મળી રહી છે.ઈંધણના ભાવમાં અનિશ્ચિતતાને પગલે રાજ્યના ચાહકો હવે ઈલેક્ટ્રિક વાહનો (EV) તરફ ઝડપથી વળી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ગુજરાત દ્વારા ઉ જારી કરાયેલા માર્ચ ૨૦૨૬ના રિટેલ રિપોર્ટમાં ડીલરશિપ સ્તરે ઈલેક્ટ્રિક વાહનો માટેની પૂછપરછમાં ૨૦૦% થી ૩૦૦% જેટલો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. જોકે, જેટલી પૂછપરછ થઈ રહી છે તેની સરખામણીએ રિટેલ વેચાણમાં રૂપાંતર હજુ થોડું ધીમું છે.
ગત વર્ષની સરખામણીએ આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે. માર્ચ ૨૦૨૫માં રાજ્યમાં ૫, ૨૭૧ ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જે માર્ચ ૨૦૨૬માં વધીને ૧૧,૧૨૬ પર પહોંચી ગયા છે. એટલે કે, ઈવી વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૧૧% થી વધુનો સીધો ઉછાળો જોવા મળ્યો છે.કુલ વાહન વેચાણમાં ઈવીનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. માર્ચ ૨૦૨૫માં કુલ નોંધણીમાં ઈવીનો હિસ્સો ૩.૮૧% હતો, જે હવે વધીને ૫.૭૯% થયો છે. આમ. ઈવી માર્કેટ શેરમાં ૫૨% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. મહત્ત્વનું છે કે, ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વાહનો પરના RTO ટેક્સમાં અપાતી ૫ ટકાની રાહતને વધુ એક વર્ષ માટે એટલે કે માર્ચ ૨૦૨૭ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.


