- ઊર્જા સંયુક્ત સંકલન સમિતિનો ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો
- બિપરજોયમાં શ્રોષ્ઠ કામગીરી માટે ઊર્જામંત્રીએ કર્મચારીઓને સન્માન્યા
- વાવાઝોડમાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો
વીજ વિતરણ ક્ષેત્રના કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથનારા મશાલચી કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજકર્મીઓના જીવનના જોખમે સૌના ઘર રોશન થાય છે ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. અડાલજ સ્થિત ત્રિમંદીર સંકૂલમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંલકન સમિતિ દ્વારા શનિવારે ઋણ સ્વિકાર અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ સમારોહને સંબોધતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજકર્મીઓએ બિપરજોય વાવાઝોડા વખતે 72 કલાકના રેકોર્ડબ્રેક સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી કર્તવ્ય પરાયણતાનું શ્રોષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયાનું જણાવ્યુ હતુ. આ વાવાઝોડમાં હજારો ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. 70 હજારથી વધુ વીજપોલ ધરાશયી થયા હતા. ટાઢ- તાપ, વરસાદ કે વાવાઝોડા જેવા કોઈ પણ કપરા સમયે વીજ પુરવઠાનું સાતત્ય જાળવતા અનેક વીજકર્મીઓનું મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીએ સન્માન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની પાંચેય વીજ કંપનીઓના કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ દ્વારા આયોજીત ફેકેલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો આરંભ કરાવ્યો હતો. જેમાં તેમણે તબીબી શિક્ષકોને પ્રોત્સાહિત કરતા ગુજરાતમાં એઈમ્સ સહિત કુલ 40 મેડિકલ કોલેજથી દરવર્ષે 7 હજારથી વધુ તબીબો સમાજને મળી રહ્યાનું જણાવ્યુ હતુ.