- UAEના વિદેશ મંત્રી અલ નાહયાન સાથે કરી ચર્ચા
- વિદેશ પ્રધાને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત
- UAEમાં ભારતીયોની વસ્તી લગભગ 35 લાખ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકા બાદ રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધી હતી. UAEની તેમની મુલાકાત દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. જયશંકરે UAEના વિદેશ મંત્રી અલ નાહયાન સાથે ભારત અને UAE વચ્ચે સતત વધી રહેલા વ્યૂહાત્મક સંબંધો અંગે ચર્ચા કરી. આ સાથે તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ઘણી ચર્ચા કરી હતી.
BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી
UAEની મુલાકાત દરમિયાન જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની પણ મુલાકાત લીધી હતી. BAPSના અધિકારીઓને પણ મળ્યા હતા. મંદિરના દર્શન કર્યા બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે મને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. ભારત-UAE મિત્રતાનું દૃશ્યમાન પ્રતીક, આ મંદિર વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે. આ બંને દેશો વચ્ચેનો કલ્ચરલ બ્રિજ છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. BAPSએ UAE દ્વારા દાનમાં આપેલી જમીન પર મંદિર બનાવ્યું છે.
વ્યૂહાત્મક ભાગીદારી પર કરી ચર્ચા
આ પછી તેમણે UAEમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અબુ ધાબી મ્યુઝિયમ સંકુલમાં યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ તેમણે વિદેશ મંત્રી અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. મીટિંગ પછી, જયશંકરે કહ્યું કે અમે સતત વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર અર્થપૂર્ણ અને વિસ્તારપૂર્વક વાતચીત કરી. આ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધો વર્ષોથી સુધર્યા છે. બંને દેશોએ આર્થિક ભાગીદારી વધારવા માટે ફેબ્રુઆરી 2022માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા હતા. 2022-23માં સીધા વિદેશી રોકાણના સંદર્ભમાં UAE ભારતમાં ટોચના ચાર રોકાણકારોમાં હતું. UAEમાં ભારતીયોની વસ્તી લગભગ 35 લાખ છે.
શ્રીલંકા પ્રવાસ દરમિયાન MRCCનું ઉદ્ઘાટન
વિદેશ પ્રધાને શ્રીલંકાની તેમની મુલાકાત દરમિયાન ભારતની મદદથી તૈયાર કરાયેલ મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ તેમની સાથે હાજર હતા. જેનું ઉદઘાટન બંનેના હસ્તે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ભારતના આદર્શ ગ્રામ આવાસ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલા 48 મકાનો સોંપ્યા. ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટના ત્રીજા તબક્કા હેઠળ 106 મકાનો સોંપવામાં આવ્યા. જયશંકરની મુલાકાત રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભારત મુલાકાત પછી તરત જ થઈ હતી. રાનીલ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારત પણ આવ્યા હતા.


