સ્ટેડિયમમાં બાળકે હત્યારાને ગોળી મારી ત્યારે સજા-એ-મોતનો તમાશો જોવા માટે 80 હજાર લોકો ઉમટી પડ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ અને મૌલવી પણ હાજર રહ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં તાલિબાન સરકારે 176 લોકોને મોતની સજા ફરમાવી છે. આ રીતે સજા આપવી જોઇએ કે કેમ એ વિશે નવેસરથી દુનિયામાં ચર્ચા ચાલી છે.
તેર વર્ષના એક બાળકે સરાજાહેર પોતાના પરિવારજનોના હત્યારાને ગોળીઓ મારીને ઢાળી દીધો
અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ગુનેગારોને જાહેરમાં ક્રૂર રીતે મોતની સજા આપે છે એ આમ તો આખી દુનિયા જાણે જ છે પણ હમણાં અપાયેલી મોતની એક સજાએ આખી દુનિયામાં ચકચાર જગાવી છે. તેર વર્ષના એક બાળકે સરાજાહેર પોતાના પરિવારજનોના હત્યારાને ગોળીઓ મારીને ઢાળી દીધો. ગયા સોમવારે તાલિબાન સરકારે એક જાહેરાત કરીને કહ્યું હતું કે, આવતીકાલે મંગળવારે ખોસ્તના સેન્ટ્રલ સ્ટેડિયમમાં એક વ્યક્તિને મોતની સજા આપવામાં આવવાની છે. જેને હાજર રહેવું હોય એ રહી શકે છે. સજા આપવાનો સમય થયો એ પહેલા તો લોકો સ્ટેડિયમમાં એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં 80 હજાર જેટલા લોકો આવી પહોંચ્યા હતા. જાહેરમાં અપાતી આવી સજાને કિસાસ કહેવામાં આવે છે. આંખના બદલામાં આંખના સિદ્ધાંતની જેમ હત્યાના બદલામાં મોતના ન્યાયે આવી સજા આપવામાં આવે છે. તાલિબાનોએ કહ્યું કે, કોઇનો જીવ લે એવા ગુનેગારને જીવવાનો અધિકાર નથી. અમે આવી રીતે જ સજા આપીશું. દુનિયાભરની માનવ અધિકાર સંસ્થાઓ ગળું ફાડીને કહે છે કે, તાલિબાનોને આવી રીતે સજા આપતા રોકો. દુનિયાના અનેક દેશોમાં મોતની સજા આપવામાં આવે છે પણ તેની એક રીત હોય છે. જાહેરમાં અને એ પણ એક બાળકના હાથે મોતની સજાને કોઇ હિસાબે વાજબી ઠેરવી શકાય એમ નથી.
કેવી રીતે આપવામાં આવી મોતની સજા?
મંગલ ખાન નામના હત્યારાને સ્ટેડિયમમાં લાવવામાં આવ્યો હતો. તેની સામે તેર વર્ષનો એક બાળક ઊભો હતો. આ બાળકને પૂછવામાં આવ્યું હતું કે, તારે તારા સ્વજનોના હત્યારાને માફી આપવી છે? બાળકે ના પાડી હતી. આખરે બાળકના હાથમાં મશીનગન આપીને કહ્યું કે, લે મારી નાખ તારા ગુનેગારને! બાળકે ગોળીઓ છોડી અને મંગલ ખાન થોડોક તરફડીને મરી ગયો. મંગલ ખાને એક જ પરિવારના તેર લોકોની હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો હતો. મંગલ ખાને પોતાના નજીકના જ સંબંધી અબ્દુલ રહેમાન સહિત તેરને મારી નાખ્યા હતા. મંગલ ખાને બાળકો અને મહિલાઓને પણ છોડ્યા નહોતા. તેર લોકોના હત્યારાને મોતની સજા જ મળવી જોઇએ એવું કહેનારા ઘણા છે પણ કોઇ બાળકના હાથમાં મશીનગન આપવી સારી વાત નથી.
એ બાળકના મનમાંથી આ ઘટના આખી જિંદગી નીકળશે નહીં
બાળકના હાથે મોતની સજા વિશે મનોચિકિત્સકો એવું કહે છે કે, એ બાળકના મનમાંથી આ ઘટના આખી જિંદગી નીકળશે નહીં. મોટા થયા પછી કદાચ એને ગિલ્ટ પણ થાય કે, મેં એક માણસને મારી નાખ્યો છે. એવું પણ બનવાજોગ છે કે, પોતાની નજર સામે એક વ્યક્તિને મરતો જોયા બાદ એ વધુ ક્રૂર થઇ જાય. એ બાળકના એના જેવડા જ મિત્રો હશે, સ્વજનો હશે, એ તેને કેવી રીતે જોશે? આવી ઘટનાઓ બાળકો પર અત્યંત ખરાબ અસર પેદા કરે છે. એ વાત જુદી છે કે, તાલિબાનોને એમાં કંઇ ખોટું લાગતું નથી. બાળકના હાથે મોતની સજા આપવામાં આવી ત્યારે તાલિબાનોની સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને મૌલવી પણ હાજર હતા. કોઇને આવું કરવામાં કશું ખોટું લાગ્યું નહોતું. આ સજા જોવો આખું ગામ ભેગું થયું હતું. એ લોકોના મન પર કેવી અસર થઇ હશે? એંસી હજાર લોકોમાંથી હજારો લોકોએ બાળકે ગોળી મારી એનો વીડિયો ઉતાર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. જે લોકો આ વીડિયો જુએ છે એ પણ કમેન્ટ્સમાં એવું જ લખે છે કે, આવી જંગલી રીત બંધ કરો.
તાલિબાનોએ 176 લોકોને મોતની સજા ફરમાવી છે
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર તારીખ 11મી સપ્ટેમ્બર, 2001ના રોજ વિમાનો હાઇજેક કરીને થયેલા આતંકી હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરીને તાલિબાનોને હાંકી કાઢ્યા હતા. તાલિબાનો એ પછી અમેરિકન સેના સામે લડતા રહ્યા હતા. વીસ વર્ષ પછી તારીખ 15મી ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાનોએ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો. અમેરિકન સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. તાલિબાનો આવ્યા એ પછી અત્યાર સુધીમાં કુલ 176 લોકોને મોતની સજા ફરમાવવામાં આવી છે. 11 ગુનેગારોને જાહેરમાં મોતની સજા આપવામાં આવી છે. જાહેરમાં ગોળી મારીને તાલિબાનો ડેડબોડીને જાહેરમાં લટકાવે પણ છે જેથી લોકો જોઇ શકે! શરિયા કાનૂનના આધારે કામ કરતા તાલિબાનો કહે છે કે, વિરોધીઓએ જે કહેવું હોય એ કહે, અમે આ જ રીતે કામ કરવાના છીએ.
દુનિયામાં મોતની સજા વિશે ચર્ચાઓ
સમગ્ર વિશ્વમાં મોતની સજા સામે ચળવળ ચાલી રહી છે. વિરોધ કરનારાઓની દલીલ એવી છે કે, કોઇનો જીવ લેવાનો અધિકાર કોઇને નથી. સામા પક્ષે એવી દલીલો પણ થાય છે કે, ક્રૂર અને સમાજ માટે જોખમી ગુનેગારોને મોતની સજા જ મળવી જોઇએ. દુનિયાના 113 દેશોમાં મોતની સજા આપવામાં આવતી નથી. 54 દેશો એવા છે જ્યાં મૃત્યુદંડની જોગવાઇ છે. આપણા દેશ ભારત સહિત કેટલાંક દેશો એવા છે જે રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ મોતની સજા ફરમાવે છે. મોતની સજા સાથે મૃત્યુદંડ આપવાની રીતો વિશે પણ ચર્ચાઓ થતી રહે છે. ફાંસી એ સૌથી વધુ પ્રચલિત રીત છે. અમેરિકામાં વીજળીના શોકથી મોતની સજા આપવામાં આવે છે. આજની તારીખે કેટલાંક દેશોમાં જાહેરમાં મોતની સજા આપવામાં આવે છે. સાઉદી અરેબિયા તેના માટે બહુ બદનામ થયું છે. તાલિબાનોમાં તો અનૈતિક સંબંધો ધરાવનાર મહિલાને જાહેરમાં પથ્થરો મારીને મોત આપવાની ક્રૂર પ્રથા પણ છે. મોતની સજાના વાદવિવાદ વચ્ચે એક બાળકના હાથે અપાયેલી મોતની સજાએ દુનિયામાં નવી જ ચર્ચાઓ જગાવી છે.
તાલિબાનોના કાયદાઓનો સૌથી મોટો ભોગ માસૂમ બાળાઓ અને સ્ત્રીઓ બની રહી છે
અફઘાનિસ્તાનના તાલિબાન રાજમાં મહિલાઓ માટે સખત કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. આખું શરીર ઢંકાય એવો બુરખા પહેર્યા વગર સ્ત્રીઓ બહાર નીકળી શકતી નથી. મહિલાઓને એકલી બહાર નીકળવા પર પણ મનાઇ છે. કોઇ પુરૂષ સાથે હોવો જ જોઇએ. મહિલા પોતાનો પતિ હોય તો પણ હોટલમાં સાથે જમવા જઇ શકતી નથી. બગીચામાં પણ સ્ત્રીઓ અને પુરૂષો માટે જુદો જુદો સમય રાખવામાં આવ્યો છે. મહિલાઓ જાહેરમાં ઊંચા અવાજે બોલી શકતી નથી કે ગીત ગાઇ શકતી નથી. મહિલાઓને નોકરી કરવાની છૂટ નથી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પણ મહિલાઓ માટે પ્રતિબંધિત છે. મહિલાઓને જાહેર જીવનથી દૂર ધકેલી દેવામાં આવી છે. કોઇ મહિલા પોતાના અધિકારો માટે અવાજ પણ ઉઠાવી શકતી નથી. અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ ખરા અર્થમાં દોઝખમાં જીવતી હોય એવી થઇ ગઇ છે. તાલિબાનો પોતાનું ધાર્યું કરવા માટે પંકાયેલા છે.


