- જલેબીનો પ્રતિ કિલોએ ભાવ રૂ. 650થી 1200
- ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 650 થી 800 સુધી
- ભાવ વધારો છતાં લોકોની ભારે ભીડ
નવરાત્રી પૂર્ણ થતાં દશેરાના પર્વ પર ફાફડા અને જલેબીની જ્યાફત માણતા લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેની સાથે જ અમદાવાદીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી જશષે તેવું અનુમાન છે.
આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. જેમાં મોંઘા ભાવ છતાં પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પહોંચ્યા છે.
જો કે કિલો ઘી વાળી જલેબીનો કિલોનો ભાવ રૂપિયા 650 થી 1200 સુધી પહોંચ્યો છે તેમજ કિલો ફાફડાનો ભાવ રૂપિયા 650 થી 800 સુધી પહોંચી રહ્યો છે. વેપારીઓને ફાફડા-જલેબી બનાવવા માટે એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. જ્યારે કેસર જલેબીના ભાવ પ્રતિ કિલોએ રૂ. 500થી 900 તો તેલની જલેબીના ભાવ રૂ. 400એ પહોંચ્યો છે. તેમ છતાં ફાફડા જલેબી લેવા માટે વહેલી સવારથી લોકોની ભીડ જોવા મળી છે.