- સુરતના કામરેજના વેપારીની થઈ લૂંટ
- નકલી પોલીસ બની લૂંટારૂઓ 15 લાખ લૂંટી ગયા
- પોલીસે આરોપીઓને પકડી 11.50 લાખ રિકવર કર્યા
સુરતના કામરેજ વિસ્તારના એક વેપારીને ઘણો જ કડવો અનુભવ થયો છે. વડોદરાથી પરત ફરતા વચ્ચે નકલી પોલીસે તેમને આંતરીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
સુરત હાલના દિવસોમાં ઘણાં અલગ કારણોને લઈને મીડિયામાં ચર્ચાનું માધ્યમ બનેલું છે. છાશવારે બનતી ક્રાઈમની ઘટનાઓના લીધે સુરતવાસીઓ માટે ચેનની ઊંઘ લેવી એ જાણે કે મુશ્કેલ બાબત બની ગઈ છે. દુષ્કર્મ, લૂંટ, હત્યા જેવી ઘટનાઓના લીધે સુરતની ગણના ગુજરાતની ટોપની ક્રાઈમ સીટીમાં થઈ શકે તેવી હાલત બની છે. આ જ ક્રમમાં વધુ એક ઘટના નોંધાઈ છે. સુરતના કામરેજના વેપારીની સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ કરવામાં આવી છે.
કામરેજના એક વેપારી વડોદરાથી પોતાના મિત્ર સાથે કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે વચ્ચે વડોદરા એલસીબી પોલીસના જવાનોએ તેમની કાર આંતરી હતી અને તપાસના નામે લૂંટ ચલાવી હતી. હકીકતે આ નકલી પોલીસ હતી અને આ લૂંટારૂઓને ટિપ બીજા કોઈએ નહીં પણ વેપારીના મિત્રએ જ આપી હતી. ગઈકાલે રાત્રે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં વેપારીએ 15 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.
જેના પગલે વેપારીએ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસને શંકા પડતા વેપારીના મિત્રની તપાસ કરવામાં આવી હતી. જેના પગલે એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત 11.50 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. હજુ પણ જો કે 2 આરોપીઓ 3.50 લાખની રકમ સાથે ફરાર છે.
મુદ્દામાલની વાત કરીએ તો પોલીસે લૂંટારૂઓ પાસેથી એક વરના અને એક ઈનોવા કાર ઝડપી લીધી છે. ઉપરાંત ઇનોવા કારમાંથી એક ન્યુઝ ચેનલના આઈકાર્ડ ,લોગો ,પ્રેસનું બોર્ડ અને પોલીસનું બોર્ડ મળી આવ્યા છે. તેમજ કાર સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.