- ખેડૂત સંગઠને ગુરુવારે રેલવે ટ્રેક જામ કરવાનું એલાન આપ્યું
- મોડી સાંજે યોજાયેલી મંત્રીઓ સાથે વાટાઘાટો નિષ્ફળ, આજે ફરી બેઠક
- દિલ્હી પોલીસ હાઇ એલર્ટ પર
ઉગ્ર આંદોલનને માર્ગે ચાલી રહેલાં ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાં રોકવા માટે એકતરફ પોલીસ દળ ભરચક પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ જંગે ચડેલા ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે એટલું જ નહીં બુધવારે પણ દિલ્હીમાં ઘૂસવામાં સફળતા નહીં સાંપડતાં પંજાબના ખેડૂત આગેવાનોએ ગુરુવારે પંજાબમાં રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠને ગુરુવારે બપોરે 12 કલાકથી સાંજના ચાર કલાક દરમિયાન રેલવે ટ્રેક જામ કરવાનું એલાન આપ્યું છે. આમ દિલ્હી પહોંચતા હાઇવે બ્લોક કર્યા બાદ હવે ખેડૂતો રેલવે ટ્રેકને પણ નિશાન બનાવવા માંગે છે. નોંધનીય છે કે પાછલા બે દિવસથી લોકોને ભારે મુશ્કેલી નડી રહી છે અને હવે રેલવે પ્રવાસીઓને પણ હેરાનગતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ખેડૂતોની દલીલ છે કે પોલીસ તેમના પર લાઠીચાર્જ અને અશ્રુવાયુનો મારો ચલાવી રહી છે તેથી અમે રેલવે ટ્રેક જામ કરવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોની માગ વધતી જ જાય છે : અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે ખેડૂત નેતાઓને આગ્રહ કર્યો હતો કે તેઓ ચર્ચા માટે આગળ આવે. જો કે તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોની માંગ વધતી જાય છે. તેમણે પ્રદર્શનકારીઓને પણ જણાવ્યું હતું કે તેઓ આગચંપી- હિંસા ના કરે.
ખેડૂતો ધ્યાન રાખે કે કેટલાક તત્ત્વો તેમનો લાભ ના ઉઠાવે : અર્જુન મુંડા
કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ ખેડૂત આંદોલન પર વાત કરતાં જણાવ્યું હતું કે બે વારની ખેડૂતો સાથેની વાતચીત કોઈ નિષ્કર્ષ વગરની નથી. સમાધાન માટે વધારે ચર્ચાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાતચીતથી સમાધાન શક્ય છે. અમે માર્ગ કાઢવા તૈયાર છીએ. જો કે ખેડૂતો ધ્યાન રાખે કે કેટલાક તત્ત્વો તેમનો લાભ લેવાનો પ્રયાસ ના કરે.
દિલ્હી પોલીસ હાઇ એલર્ટ પર
દિલ્હી પોલીસ દ્વારા પ્રદર્શનકારી ખેડૂતોને દેશના પાટનગરમાં પ્રવેશ કરતાં રોકવાની તૈયારીઓ વચ્ચે એક વરિષ્ઠ અધિકારીએ સુરક્ષા કર્મચારીઓને નિર્દેશ આપ્યો હતો કે જો આંદોલનકારીઓ આક્રમકતા દર્શાવે છે તો તેમણે રક્ષાત્મક થવાની જરૂર નથી.


