- ખેડૂતોએ રેલ રોકો આંદોલનને વધુ તેજ કર્યું
- પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ ખેડૂતો રેલવે રોકી
- ટ્રેન વ્યવસ્થા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી
ખેડૂતોએ રવિવારે રેલ રોકો આંદોલનને વધુ તેજ કર્યું છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ ખેડૂતોએ રેલવે ટ્રેક પર ધામા નાખ્યા છે. કહેવામાં આવ્યું હતું કે, 100થી વધુ ટ્રેનોને અસર પહોંચતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
એક મહિનાથી પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોએ રવિવારે ચાર કલાકના રોલ રોકો આંદોલનની હાકલ કરી હતી.આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા.બપોરે 12 વાગે ખેડૂતો રેલવે ટ્રેક પર આવી જતાં અનેક ટ્રેનોના પૈડા થંભી ગયા હતા.4 વાગ્યા સુધી ટ્રેનોના પૈડા જામ રહેશે.પંજાબમાં 22 જિલ્લામાં 52 જગ્યાએ ખેડૂતો પાટા પર બેસી ગયા છે.જ્યારે હરિયાણામાં સિરસા સહિત 3 જગ્યાએ રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા છે.બંને રાજ્યોમાં 100થી વધુ ટ્રેનોને અસર થઈ છે. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શંભુ બોર્ડર પર રેલ્વે ટ્રેક પર બેઠેલા
ખેડૂત આગેવાનો શંભુ બોર્ડર પર રેલ્વે ટ્રેક પર બેઠેલા ખેડૂત આગેવાનો.મોહાલી રેલવે સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર ખેડૂતો પણ હાજર છે. અમૃતસર, જલંધર અને સુનમમાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેઠા છે. જેના કારણે ટ્રેનો રોકી દેવામાં આવી છે. નજીકમાં પોલીસ કર્મચારીઓ પણ તૈયાર છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અમૃતસરના દેવીદાસપુરામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.દિલ્હી-અમૃતસર રૂટ પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે.રેલ રોકો આંદોલનમાં મહિલા ખેડૂતો પણ ભાગ લઈ રહી છે.
બિયાસ અને લુધિયાણાથી ટ્રેનો પરત મોકલવામાં આવી
ખેડૂતોની હડતાળને કારણે રેલ્વેએ બિયાસ અને લુધિયાણાથી કેટલીક ટ્રેનો પરત મોકલી દીધી હતી.તેમાં શાન-એ-પંજાબ, અમૃતસર એક્સપ્રેસ, અજમેર એક્સપ્રેસ, અમૃતસર ચંદીગઢનો સમાવેશ થાય છે, જેને બિયાસ અને લુધિયાણા રેલ્વે સ્ટેશનથી પરત મોકલવામાં આવી હતી.જલંધર કેન્ટ રેલવે સ્ટેશન પર ખેડૂતોએ ટ્રેક પર ઉતરીને ટ્રેન રોકી હતી. આંદોલનકારી ખેડૂતો પણ પટિયાલા રેલવે સ્ટેશનના પાટા પર એકઠા થવા લાગ્યા છે.
પંજાબ અને હરિયાણાના લગભગ 200 સંગઠનોના ખેડૂતો એમએસપી ગેરંટી એક્ટ સહિતની તેમની માંગણીઓ અને અન્ય માંગણીઓ માટે એક મહિનાથી હરિયાણાની સરહદ પર ઉભા છે.તેમણે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચંદીગઢ-દિલ્હી હાઈવે બંધ કરીને તેમને અટકાવવામાં આવ્યા હતા.હવે ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, તેઓ શાંતિથી દિલ્હી જવા માંગે છે. આચારસંહિતાના અમલ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી.
ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારો વિરોધ ચાલુ રાખીશું.અમે આજે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 4 કલાક ટ્રેનોને રોકીશું.તેમણે કહ્યું કે અમને આચાર સંહિતા લાગુ કરવા સાથે કોઈ લેવાદેવા નથી.જ્યારે અમે આ વિરોધ શરૂ કર્યો ત્યારે અમને ખબર હતી કે અમે 40 દિવસમાં આ વિરોધ જીતી શકીશું નહીં. હજુ પડતર માગણીને લઇ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનાવીશું.


