રાજકોટમાં કાયદાનું ભાન ભૂલીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર પિતા અને પુત્ર સામે પોલીસે કાયદાનો ડંડો પછાડ્યો છે. સાદાન ડોસા અને તેના પિતા સલીમ ડોસાની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો મુજબ એક અરજીના કામે સાદાન ડોસાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જોકે નશાની હાલતમાં આવેલા સાદાને પોલીસ સ્ટેશનમાં અપશબ્દો બોલીને ધમાલ મચાવી હતી. તેના પિતા સલીમ ડોસા પણ તેમાં જોડાયા હતા અને બંનેએ જાણે પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ સર્જી હતી.
આરોપીથી બચવા પોલીસે દરવાજા બંધ કરી સંતાવવું પડ્યું
સાદાને પોલીસને ધમકાવતા કહ્યું હતું કે હું જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસની બીક નથી. આરોપીઓની આ ગુંડાગીરીથી બચવા માટે પોલીસકર્મીઓએ ઇન્વેસ્ટિગેશન રૂમના દરવાજા બંધ કરીને સંતાઈ રહેવું પડ્યું હતું. આખરે પોલીસે બંનેને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કર્યો છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે.


