- માચ શહેર પર બલૂચ લિબરેશન આર્મીનો કબજો હોવાનો દાવો
- બળવાખોરોએ સેનાનાં વાહનોને નિશાન બનાવતાં પાક. કુમક પાછી ફરી
- બલૂચ અલગ દેશ ઇચ્છે છે : કાર્યવાહક વડાપ્રધાન
પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મીના બળવાખોરો વચ્ચે વીતેલા 40 કલાકથી જોરદાર લડાઇ ચાલી રહી છે. બલૂચિસ્તાનના માચ શહેરમાં પાકિસ્તાની સેનાને બળવાખોરો તરફથી જડબાતોડ જવાબ મળી રહ્યો છે. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન ક્ષેત્રમાં સોમવારે મોડી રાતે બળવાખરો દ્વારા થયેલા હુમલામાં બે નાગરિક સહિત 15 લોકોના મૃત્યુ થયા હતા. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે માચ શહેર પર તેનો કબજો છે, પરંતુ બીએલએ દ્વારા વીડિયો જારી કરીને તે દાવાનું ખંડન કર્યું હતું. આ લડાઇમાં પાકિસ્તાનની સેના હેલિકોપ્ટરથી માંડીને લડાયક વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. સરકાર દાવો કરી ચૂકી છે કે લડાઇમાં 6 બળવાખોરો અને ચાર પાકિસ્તાની સૈનિક પણ માર્યા ગયા છે. બલૂચ આર્મી દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાનના 50થી વધુ સુરક્ષાકર્મી માર્યા ગયા છે. માચ શહેર તે ક્વેટાથી દક્ષિણે પહાડોથી ઘેરાયલું શહેર છે.
બીએલએ શું છે ?
બલૂચિસ્તાનમાં બે મુખ્ય કબીલા છે. મારી અને બુગતી. બીએલએમાં આ બંને કબીલાનું પ્રભુત્વ છે. વિસ્તારમાં આ બંને કબીલાનું એટલું વર્ચસ્વ છે કે પાકિસ્તાનની સેના પણ જમીન પર ઊતરવાનું સાહસ નથી કરતી. તેથી સંગઠન પર માત્ર હવાઇ હુમલા કરે છે. રશિયાની પૂર્વ જાસૂસી એજન્સી કેબીજી દ્વારા સંગઠન પ્રશિક્ષિત હોવાનું કહેવાય છે.
બલૂચ અલગ દેશ ઇચ્છે છે : કાર્યવાહક વડાપ્રધાન
પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે ગયા સપ્તાહે જ એ વાતનો સ્વીકાર કર્યો કે બલૂચિસ્તાનના લોકો માત્ર અસંતુષ્ઠ નથી, પરંતુ અલગ દેશની માગણી કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પહેલી જ વાર કોઇક નેતાએ બલોચ પ્રજાની આકાંક્ષાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે બલૂચિસ્તાનના લોકો અલગ ઓળખ ઇચ્છી રહ્યા છે.


