- રાજકોટ પોલીસનું જાહેરનામું
- દિવાળીમાં 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ
- રાત્રે 8થી 10 સુધી ફોડી શકાશે ફટાકડા
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હવે ઘણો જ નજીક છે. ત્યારે રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને રાજકોટ પોલીસ કમિશનર તરફથી એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફટાકડા ફોડવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
નોંધનીય છે કે દિવાળીના તહેવારમાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો હવે ખરીદી માટે માર્કેટમાં નીકળી રહ્યા છે. ફટાકડા અને રંગોળીના રંગોથી માર્કેટ સજી રહ્યા છે. દરેક શહેર કે ગામડાના નાના મોટા માર્કેટમાં ખરીદારી નીકળી છે એટલે માર્કેટમાં પણ રોનક દેખાઈ રહી છે. જો કે આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 2 જ કલાક એટલે કે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. જેના પ્રમાણે ગ્રીન ફટાકડા ફોડવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આમ રાજકોટવાસીઓ માટે ફટાકડા ફોડવા માટેના નિયમો અને સૂચનો જાહેરનામાથી બહાર પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત દિવાળીની ઉજવણીને લઈ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટીમેઝર્સ એક્ટ 2013- 2014, 2016 તથા સુધારા વિધેયક 2021 માં કરવામાં આવેલ જોગવાઈઓ અંતર્ગત ફાયર સેફ્ટીના કાનૂની નિયમો અંતર્ગત ફટાકડાંના ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરનાર તમામ એકમોએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીના પગલાઓ લેવા જણાવવામાં આવ્યું છે. ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટીફિકેટની નક્કી કરવામાં આવેલ સમય મર્યાદા સિવાય ફટકડાનો કોઇ પણ પ્રકારે વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનાર માલિક કે તેના જવાબદાર સંબંધિતો સામે કાનૂની રાહે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જે અંગે ઉભી થનાર તમામ વિસંગતતા, જવાબદારીઓ બાબત જે-તે માલિકની કાનૂની અને નૈતિક જ્વાબદારી રહેશે.