- રાજ્યમાં ગરબા સ્થળેથી એમ્બ્યુલન્સને 13 કોલ્સ મળ્યા
- હૃદયરોગ સંબંધિત ઈમરજન્સીમાં 5 ટકાનો ઘટાડો
- અમદાવાદમાં ઈમર્જન્સી કોલ્સના 3 કેસ નોંધાયા
રાજ્યમાં પહેલાં નોરતાંએ ગરબાના આયોજન સ્થળેથી 108 એમ્બ્યુલન્સ માટે કુલ 13 ઈરજન્સી કોલ્સ આવ્યા હતા, જે પૈકી અમદાવાદમાં ત્રણ કેસ હતા. અલબત્ત, આમાં હૃદયરોગને લગતાં કે અન્ય કોઈ ગંભીર કેસ નહોતા, મોટા ભાગના પડી જવાના કે ચક્કર ખાઈને બેભાન થવા સહિતના કેસ સામેલ હતા. રવિવારે એકંદરે વાહનોની અવર જવરનું પ્રમાણ વધ્યું હતું, એ સ્થિતિમાં વાહન અકસ્માત સહિતના કેસમાં 17 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, પહેલીથી 14મી ઓક્ટોબર સુધીમાં વાહન અકસ્માતના સરેરાશ રોજના 414 કોલ્સ આવ્યા હતા, જોકે રવિવારે 485 ઈરજન્સી કોલ્સ મળ્યા હતા.
ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, રવિવારે દિવસ દરમિયાન ગભરામણ થવા સહિત અજાણી તકલીફના કોલ્સમાં 35 ટકાનો વધારો થયો હતો, છેલ્લા 14 દિવસમાં રોજના સરેરાશ 492 કોલ્સ હતા, જોકે રવિવારે 667 દર્દીને હોસ્પિટલે સારવાર માટે ખસેડવા પડયા હતા. પડી જવા સહિતના કેસમાં 2.65 ટકા જેટલો મામૂલી ઉછાળો જોવાયો હતો, રોજના 379 કોલ્સ સામે 390 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. ગંભીર રીતે માથાના દુખાવામાં રવિવારે 38 દર્દીને હોસ્પિટલે ખસેડવા પડયા હતા, સામાન્ય દિવસોમાં રોજના 24 જેટલા દર્દીને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવતાં હોય છે. હૃદય રોગ સંબંધી ઈમરજન્સીમાં 5 ટકાનો ઘટાડો થયો હતો, છેલ્લા 14 દિવસના 218 કોલ્સની સરખામણીએ નવરાત્રિએ 207 કોલ્સ આવ્યા હતા.
રાજકોટમાં પ્રથમ નોરતે બે ખેલૈયાને હ્ય્દયની તકલીફ થઈ
રાજકોટમાં પણ પ્રથમ નોરતે બે સ્થળોએ ખેલૈયાઓને તબિયત લથડી હતી. પ્રથમ નોરતે લક્ષ્મીનગર વિસ્તારમાં ગરબા રમતી વેળાએ એક યુવક બેભાન થઇ જતા પ્રાઈવેટ એમ્બ્યુલેન્સ મારફ્ત હોસ્પિટલે ખસેડાયો હતો. જયારે નવા રિંગ રોડ ઉપર ખાનગી પાર્ટી પ્લોટમાં પરસાણાનગરના યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવતા બેભાન થઇ જતા 108ની ટીમે દોડી જઈ પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલે ખસેડયો હતો.