- નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓ ગરબાની મોજમાં
- શેરી ગરબામાં જામી રાસની રમઝટ
- નવરાત્રી એટલે ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાનો મહાપર્વ
નવરાત્રી એટલે ગીત, સંગીત, નૃત્ય અને શકિત ઉપાસનાનો મહાપર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂકયો છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે જ શહેરનાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવમાં રાસ ગરબાના રંગો ઘૂંટાયા હતા પ્રથમ દિને જ ઠેર ઠેર રાસના મેદાનોમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ નોરતે જગદંબાની આરતી ઉતારી ઠેર ઠેર મધરાત સુધી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.
નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં થનગનાટ
નવરાત્રિની આખું વર્ષ માઇભક્તો રાહ જોતા હોય છે, તો ખેલૈયાઓ નવરાત્રિમાં રમવાનો આનંદ લૂંટવા માટે નોરતાંની રાહ જોતા હોય છે, સાથે અનેક તૈયારીઓ પણ કરતા હોય છે. રવિવારથી નોરતાંનો પ્રારંભ થયો હતો. આજે પ્રોફેશનલ નવરાત્રિની ધૂમ વચ્ચે ફરી શેરી ગરબીની બોલબાલા પણ વધી છે, ત્યારે આ વર્ષ અનેક વિસ્તારની નાની નાની ગરબી જીવંત થનારી છે, જેમાં કોઇ પણ આર્થિક બોજ વગર નાના મોટા રમવાનો આનંદ માણી શકશે. ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ક્યાક ટેટૂનો ક્રેઝ, તો ક્યાક ફેશનની મોજ મસ્તીમાં રાસ ગરબાના તાલે લોકો ગરબા રમી રહ્યા છે.
મહાનગરોમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ
નવરાત્રીના પ્રથમ નોરતાની શરૂઆતમાં ગુજરાતમાં તમામ માઇભક્તો અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિત તમામ મંદિરોમાં માનવમેરામણ ઉમચ્યું હતું. મા નવ દુર્ગાની આરતી અને આરાદ્યનાની શરૂઆતથી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ ક્લબ, રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ગરબાની મોજ માણી રહ્યા છે.
નવરાત્રીના પર્વને લઇ ગુજરાતમાં ખાસ કરીને મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં ખેલૈયાઓ ગરબામાં ધૂમ મચાવી રહ્યા છે. ક્લબ, રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબના તાલે ઝૂમી રહ્યા છે. આધ્યાશકિત મા જગદંબેના નાદ સાથે તાલ મેળવીને ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે.