વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
તા.૧૯મે સુધી ચાલશે સમગ્ર પ્રક્રિયા : ગુજરાતમાં તારીખોમાં ફેરફારની શકયતા : આંકડાઓ ગુપ્ત જ રખાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે આજ તા.1 એપ્રિલથી દેશમાં 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ તબક્કામાં મકાન અને પરિવારની માહિતી મેળવવામાં આવશે. આ માટે સરકારે ‘મકાન યાદી અને મકાન ગણતરી’ (HLO) દરમિયાન પૂછવામાં આવનારા 33 પ્રશ્નોનો સેટ જાહેર કર્યો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જાહેરનામામાં જણાવ્યું છે કે, વસ્તી ગણતરી કરનાર કર્મચારીઓ મકાન નંબર (નગરપાલિકા કે સ્થાનિક સત્તામંડળ દ્વારા અપાયેલ), જનગણના મકાન નંબર અને ફ્લોર, દીવાલ તથા છતના નિર્માણમાં વપરાયેલી મુખ્ય સામગ્રી જેવી વિગતો એકત્રિત કરશે. તેઓ મકાનના ઉપયોગ અને સ્થિતિનો રેકોર્ડ પણ રાખશે અને તેને એક ગૃહ નંબર ફાળવશે.
આ સાથે જ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં સ્વ-ગણતરી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા કરવામાં આવનારી પૂછપરછ અને ગણતરીની વિગતવાર તારીખોનો રાજ્યવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વસ્તી ગણતરીમાં પ્રથમ વખત સ્વ-ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત, દાદરા અને નગરહવેલી, દમણ, દીવમાં ઘરોની સ્વ-ગણતરી 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા ઘરોની યાદી અને ગણતરી 20 એપ્રિલથી 19 મે સુધી. ગુજરાતમાં તારીખોમાં ફેરફાર શક્ય છે. ઝારખંડમાં પણ અત્યારે વસ્તી ગણતરી કરાવવાના ઈરાદાનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે, પરંતુ મકાન યાદીનો સમયગાળો પછીથી જાહેર કરવામાં આવશે.
વસ્તી ગણતરીના આ આંકડા કોઈપણ સંગઠન સાથે શેર કરવામાં નહીં આવે. પછી તે સંગઠન સરકારી હોય કે ખાનગી હોય. આ ઉપરાંત કોર્ટમાં તેને પુરાવા તરીકે રજૂ કરવા માટે પણ ઉપયોગમાં નહીં લઈ શકાય કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પણ તેની માહિતી આપવામાં નહીં આવે. ફક્ત ઉપરછલ્લી આંકડાકીય વિગતો જ કોષ્ટકો બનાવવા માટે આપવામાં આવશે.
આ વસ્તી ગણતરીમાં જ્ઞાાતિનો સમાવેશ કરાયો છે અને લોકો કદાચ તેના અંગે સાચી માહિતી ન આપે તેવો ડર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના અંગે નારાયણને જણાવ્યું હતું કે જ્ઞાાતિ અંગેની વિગતો બીજા તબક્કામાં એકત્રિત કરવામાં આવશે અને તેના સવાલો વ્યાપક ચર્ચા પછી નક્કી કરવામાં આવશે.જ્ઞાાતિ અંગેની માહિતી કેવી રીતે એકત્રિત કરવી તેના અંગે ઘણા સૂચનો છે. બધા પર વિચાર કરાશે અને અંતિમ પ્રશ્નાવલિ તૈયાર કરતા પૂર્વે તેમા શ્રેષ્ઠને સ્થાન અપાશે. છેલ્લે૧૮૮૧ અને ૧૯૩૧માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ ગયા વર્ષે ૩૦ એપ્રિલના રોજ આગામી વસ્તી ગણતરીમાં જાતિનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વસ્તી ગણતરીમાં કુલ ૩૦ લાખ ગણનાકાર અને સુપરવાઇઝરો ભાગ લેશે. આઉપરાંત ૧.૩ લાખ વસ્તી ગણતરીકાર ડિજિટલ ડિવાઇસથી સજ્જ હશે.


