વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
એસીબીની ટીમએ છટકું ગોઠવી વચેટીયાને રંગેહાથ ઝડપાયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ ફિશરીઝ કચેરીમાં લાઈસન્સના કામ બાબતે લાંચની માંગણી કરનાર વચેટીયા ને એસીબી ઇ ટીમે છટકું ગોઠવીને ઝડપી લેતા ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરીકના પત્નીના નામે રહેલું મચ્છી વેચવાનું લાયસન્સ પોતાના નામે ફેરવાવવા માટેનું કામ ફિશરિઝ કચેરીમાં કરાવવા ગયેલ ત્યારે ફિશરીઝ અધિકારી વતી રૂ.10 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી જાગૃત નાગરીક લાંચ આપવા તૈયાર ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા સુચિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જે મુજબ આજે એસીબીની ટીમએ અત્રેના ભીડીયા સર્કલ પાસે ગોઠવેલ છટકામાં આરોપી વચેટીયા CMFRI સરકારી સંસ્થાનો કોન્ટ્રાકટર હાસમ જુમાભાઈ મુસાગરા (ઉ.વ.66) સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.10 હજારની લાંચ સ્વીકારી લેતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ પણ કબ્જે કરી હતી.
આ ઓપરેશનમાં ટ્રેપીંગ અધિકારી તરીકે અમરેલી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ચૌધરી અને તેમની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી, જ્યારે સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ભાવનગર ACB એકમના મદદનીશ નિયામક એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકોટ ACB ના નાયબ નિયામક બલદેવસિંહ વાધેલાની માર્ગદર્શન હેઠળ કામગીરી પાર પડી હતી.
આ ભ્રષ્ટાચારની સામે આવેલી હકકીત બાદ કચેરી વર્તુળમાં થઈ રહેલ ચર્ચા મુજબ ફિશરીઝ કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર કોઈ એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી પરંતુ ફિશરિઝ કચેરીમાં બોટના લાયસન્સ, સબસીડી અને અન્ય કામગીરી માટે મોટા પ્રમાણમાં લાંચ લેવાની પ્રણાલી ચાલી રહી છે. આ ઝડપાયેલા વચેટીયાની સઘન પૂછપરછથી મોટા અધિકારીઓ સુધી તપાસના તાર જોડાવાની શક્યતાઓ છે. ત્યારે એસીબી આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે તો ભ્રષ્ટાચારનું વ્યાપક સામ્રાજ્ય બહાર આવવાની શક્યતા રહેલી છે.


