- આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ
- અમદાવાદમાંથી જલેબી-ફાફડાના તેલનું ચેકિંગ
- ભાવનગરમાં પાણીપુરીના મસાલા-તેલનું ટેસ્ટિંગ
નવરાત્રીનો તહેવાર હોઈ હાલમાં રાજ્યમાં ખાણીપીણીની ધૂમ છે. દશેરા અને દિવાળીના તહેવાર પહેલા રાજ્યમાં ફરસાણ અને માવાની દુકાનોમાં ઠેર ઠેર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથમાં ધરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને વલસાડમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે કે ચાંદી પડવાના તહેવાર પૂર્વે સુરતમાંથી આશરે 250 કિલોગ્રામ શંકાસ્પદ માવાના જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ભાવનગર અને વડોદરામાં પણ ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. અમદાવાદમાં નહેરૂનગરમાંથી તેલનું ચેકિંગ હાથ ધરાયું હતું.
મહત્વનું છે કે હાલમાં નવરાત્રીનો તહેવાર હવે તેના અંતિમ ચરણ તરફ છે. દશેરાનો તહેવાર નજીક હોઈ તેમજ આવનારા દિવસોમાં દિવાળીના તહેવારના દિવસો હોઈ રાજ્યમાં ફરસાણની દુકાનોમાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગવાની છે. અવનવી મીઠાઈઓ, જલેબી, ફાફડા અને ગાંઠિયાની ગુજરાતીઓ દિલથી જયાફત ઉડાવશે. દશેરામાં ઉંધિયું પણ લોકોની દાઢે વળગશે અને સુરતમાં ચંદી પડવાના અવસરે ઘારી લોકોની દાઢ દળકાવશે. ત્યારે આ દિવસોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમને મિલાવટી ખાણીપીણી ન ખાવી પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ મામલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ મનપાની ટીમો દ્વારા ખાણીપીણીના વેપારીઓ અને ફરસાણના વેપારીઓ તેમજ ઘીના વિક્રેતાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નહેરૂનગરમાં ફાફડા જલેબીમાં વપરાતા તેલનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને સિંધુનગર વિસ્તારમાં પાણીપુરી બનાવતા લોકોને ત્યાં જઈ તેલ અને મસાલાનું ચેકિંગ હાથ ધરાયું હતું. ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ જ પ્રકારની કાર્યવાહી જૂનાગઢ અને વલસાડમાં પણ કરવામાં આવી હતી. જેમાંથી જૂનાગઢમાં 2100 કિલો ઘીનો જથ્થો અને વલસાડમાં 533 કિલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કુલ 2633 કીલો ઘી નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત અંદાજીત 10 લાખ રૂપિયાની આસપાસ થવા જઈ રહી છે.