ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટરસિટી અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચે કપરા હવામાન વચ્ચે રમાયેલી મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી. શનિવારે સેલહર્સ્ટ પાર્કમાં રમાયેલી મેચમાં રિકો લેવિસે માન્ચેસ્ટર સિટી માટે ગોલ કર્યો હતો અને તે બાદ તેને રેફરીએ રેડ કાર્ડ પણ દેખાડયું હતું.
આ મેચ ડ્રો થવાની સાથે જ માન્ચેસ્ટર સિટી પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યાં તેના 15 મેચમાં 27 પોઇન્ટ છે. તો બીજી તરફ ક્રિસ્ટલ પેલેસ 16માં સ્થાને છે. મેચની ચૌદમી મિનિટમાં જ ક્રિસ્ટલ પેલેસે મેચમાં લીડ લઇ લીધી હતી. ડેનિયલ મુનોઝે વિલ હ્યુજીસે કરેલા પાસને આગળ વધાર્યો હતો અને તેણે બોલને સ્ટેફન ઓર્ટેગાને પાસ કરાવી દીધો હતો. મેચની 30મી મિનિટમાં સિટીએ હરીફને જવાબ આપ્યો હતો. એરલિંગ હાલેન્ડે મેથિયસ નૂનેસના લોંગ ક્રોસને નેટમાં ધકેલતા ગોલ ફટકાર્યો હતો. જોકે, ક્રિસ્ટલ પેલેસે સારી રમતનું પ્રદર્શન કરતા 56મી મિનિટમાં જ બીજો ગોલ ફટકારી દીધો હતો. મેક્સેન્સ લેક્રોઇક્સએ વિલ હ્યૂજીસના કોર્નરને માથા વડે ગોલમાં મોકલી આપ્યો હતો. તે બાદ 68મી મિનિટમાં માન્ચેસ્ટર સિટીએ ફરીવાર ગોલ કર્યો હતો. બર્નાડો સિલ્વાએ બોલને રિકો લેવિસને પાસ કર્યો હતો જેણે એકદમ પૂર્ણ વિશ્વાસ સાથે તેને નેટમાં મોકલી આપ્યો હતો.


