- ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રામિકોની ધીરજ ખૂટી
- અમેરિકન ઓગર મશીને ડ્રિલિંગ કામગીરી શરૂ કરી દીધી
- થાઇલેન્ડ અને નોર્વેની વિશેષ ટીમ બચાવકાર્યમાં જોડાઈ
શુક્રવાર, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાનો છઠ્ઠો દિવસ છે. ખડકો ધસી પડતાં સુરંગ પુરાઈ જવાથી છઠ્ઠા દિવસે પણ તેમાં ફસાયેલા 40 શ્રામિકોને બહાર કાઢવા માટે બચાવદળો સંઘર્ષ કરી રહ્યાં છે. હવે, સુરંગમાં લાંબા સમયથી ફસાયેલા શ્રામિકોના આરોગ્યની ગંભીર ચિંતા થવા લાગી છે. આ શ્રામિકોને ભોજન અને ઓક્સિજન મળી રહે તે માટે ચાર પાઇપ લગાડવામાં આવી છે. હાલના તબક્કે, આ શ્રામિકોને બહાર કાઢવા માટે પુરજોશમાં ડ્રિલિંગ કામગીરી ચાલી રહી છે. આ શ્રામિકોને બહાર કાઢવા માટે થાઇલેન્ડ અને નોર્વેથી વિશિષ્ટ બચાવ ટીમો પણ બોલાવવામાં આવી છે. જોકે, સુરંગમાં ફસાયેલા શ્રામિકોની ધીરજ હવે ખૂટી રહી છે અને તેઓ બોલી રહ્યા છે કે અમને ક્યારે બહાર કાઢશો? જોકે, શુક્રવારે ઓગર મશીનમાં તકનીકી ખામીના કારણે ડ્રિલિંગ કામગીરી ઠપ થઈ ગઈ હતી. સૂત્રો અનુસાર, આ મશીનની બેરિંગ તૂટી ગઈ હતી. ગઈ 12 નવેમ્બરે નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ ધસી પડયો હતો, અને તેના કાટમાળમાં 40 બાંધકામ શ્રામિકો ફસાઈ ગયા છે. આ શ્રામિકોને બહાર કાઢવા માટે રાહત-બચાવ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. બચાવકર્મીઓએ 24 મીટર સુધીનું ખોદકામ કરી નાખ્યું છે અને શ્રામિકોને ભોજન અને ઓક્સિજન મળી રહે તે માટે ચાર પાઇપ લગાડી દેવામાં આવ્યા છે. જોકે, ડોક્ટરોએ આ શ્રામિકોના પુનર્વાસ પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે એક જગ્યાએ લાંબા સમય સુધી કેદ રહેવાથી માનસિક અને શારીરિક બંને રીતે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટરોને એવી પણ ચિંતા છે કે કાટમાળ ધસી પડવાના લીધે પડેલા ઘા ગંભીર હોઈ શકે અને તેનું સંક્રમણ લાગી શકે.
12થી 15 કલાકમાં 70 મીટર ખડક કપાવાની આશા
કેન્દ્ર સરકારે શ્રામિકોને બચાવવાની જવાબદારી આઇટીબીપી અને એનડીઆરએફને સોંપી છે. સુરંગના મોં પાસે ઉત્તરાખંડની પોલીસે બેરિકેડિંગ કરી દીધું છે અને ત્યાં પોલીસ તથા એસડીઆરએફના જવાનોને તહેનાત કરી દેવાયા છે. દરમિયાનમાં, દિલ્હીથી એરલિફ્ટ કરાયેલું અમેરિકન ઓગર મશીન બચાવ અભિયાનમાં જોડાયું છે. આ એક વિશેષ ઉપકરણ છે. આ મશીનથી 12થી 15 કલાકમાં 70 મીટર ખડક કાપી શકાવાની આશા વ્યક્ત કરાઈ છે. ઓગર મશીન પ્રતિ કલાક પાંચ મીટરની ઝડપે કામ કરે છે.
શ્રામિકોને આશ્વાસન અપાયું
સુરંગમાં વેલ્ડિંગનું કામ કરતા એમડી રિઝવાને માહિતી આપતાં કહ્યું કે, સુરંગમાં ફસાયેલા શ્રામિકોની ધીરજ હવે ખૂટી રહી છે અને તેઓ પૂછી રહ્યા છે કે અમને બહાર ક્યારે કાઢશો. તેમને આશ્વાસન અપાયું છે કે રેસ્ક્યૂ માટેના પાઇપ નાખવાનું કામ ચાલી રહ્યું છે. પાઇપ લાગી જશે તો બધાને બહાર કાઢી લેવાશે. તેમણે કહ્યું કે ઓગર મશીને કામ શરૂ કરી દીધું છે. આ મશીનથી ડ્રિલિંગ કરીને પાઇપોને અંદર ઉતારવામાં આવશે. આશા છે કે બધા શ્રામિકોને ટૂંક સમયમાં બહાર કાઢી લવાશે.