- સંયુક્ત રાષ્ટ્રએ સજાને અમાનવીય અને ક્રૂર ગણાવીને તેને અટકાવવાની માગણી કરી છે
- વકીલોએ સજાને ટોર્ચર અને ગેરબંધારણીય કહી પડકારી છે
- 1988માં એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેની પત્નીની હત્યા કરવાનો સ્મિથ પર આરોપ હતો
અમેરિકાના એક કેદીને નાઇટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડ અપાશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર આવી સજા કરવામાં આવશે. અમેરિકામાં અત્યાર સુધી ઝેરના ઇન્જેક્શનથી મૃત્યુદંડ અપાતો રહ્યો છે. પણ કહેવાય છે કે, હવે ત્યાં મૃત્યુદંડ માટે નવી રીતો શોધાઈ રહી છે. જે કેદીને નાઇટ્રોજન ગેસ દ્વારા મૃત્યુની સજા કરાશે તેનું નામ કેનેથ યૂગિન સ્મિથ છે. આ કેદીને 1996માં મૃત્યુની સજા ફટકારવામાં આવી હતી. 2022માં તેને ઝેરનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પણ તે બચી ગયો હતો. હકીકતે, 1988માં એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેની પત્નીની હત્યા કરવાનો સ્મિથ પર આરોપ હતો. આ કેસમાં તેને દોષિત ઠરાવાયો હતો. ઝેરના ઇન્જેક્શનથી બચી ગયેલા સ્મિથને પચીસ જાન્યુઆરીએ મૃત્યુદંડ અપાવાનો છે. તેના વકીલોએ કોર્ટમાં તેની ગેસથી મૃત્યુની સજાને પડકારી છે અને તેને ટોર્ચર ગણાવી છે. તેના વકીલોનું કહેવું છે કે સ્મિથ પર એક્સપરિમેન્ટ (પ્રયોગ) કરાઈ રહ્યો છે. તેમણે દલીલ કરી છે કે આ રીત માત્ર જોખમી છે એટલું જ નહીં બલકે તે બંધારણીય ઉલ્લંઘન પણ છે. સ્મિથની સજા સામે સંયુક્ત રાષ્ટ્રે પણ વાંધો દર્શાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ સજાને અમાનવીય અને ક્રૂર ગણાવીને તેને અટકાવવાની માગણી કરી છે.
આ રીતે સજા અપાશે
ન્યૂઝ એજન્સી અનુસાર, સ્મિથને સૌથી પહેલાં સ્ટ્રેચર પર સુવડાવી દેવાશે. ત્યાર બાદ તેના ચહેરા પર એક માસ્ક પહેરાવી દેવાશે. તે બિલકુલ એવો માસ્ક હશે જેવો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વર્કરોને ઓક્સિજનની સપ્લાય માટે પહેરાવવામાં આવે છે. ત્યાર બાદ તેની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવશે. સૌથી છેલ્લે નાઇટ્રોજન ગેસ છોડવામાં આવશે. માસ્કના માધ્યમથી નાઇટ્રોજન સીધો તેના શરીરમાં જશે. માસ્ક હોવાના કારણે તેને ઓક્સિજન નહીં મળે અને તે મૃત્યુ પામશે. રિપોર્ટ અનુસાર, માસ્ક દ્વારા તેને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી નાઇટ્રોજન ગેસ અપાશે. સરકારી વકીલે કોર્ટને જણાવેલું કે નાઇટ્રોજન ગેસના લીધે થોડી સેકન્ડમાં જ તે બેભાન થઈ જશે અને થોડી મિનિટોમાં તેનું મૃત્યુ થઈ જશે.


