ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
કોંગ્રેસ દ્વારા ગંગાજળ છટાયું : વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત : ભ્રષ્ટાચારના બેનરો બતાવી ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા ગેરકાયદે બાંધકામ અને પ્લાન કમ્પ્લીશનના નામે સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂ.ની લાંચ માંગવામાં આવતી હોવાના કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’નો કાર્યક્રમ યોજ્યો હતો. તેમજ રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ કરતા જ પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ હતી.
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના શાસકો સરકારી મિલકતો જેવી કે સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને ત્યાં બેસીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂ. જેવી રકમની લેતીદેતીની વાતો કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમ ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે. ઘટનાને ગંભીર ગણાવતા કોંગ્રેસે માગ કરી છે કે સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે.
NSUIનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપના શાસકો સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. અમે સર્કિટ હાઉસના મેનેજરને પણ અમે પૂછ્યું છે કે કયા ધારાસભ્યના દબાણથી તેમને કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી? અંતમાં તેમણે જનતાને અપીલ કરી હતી કે જો કોઈ પણ ભાજપનો સત્તાધીશ તમને દબાવતો હોય કે તોડ કરતો હોય, તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરજો, કોંગ્રેસ તમને ન્યાય અપાવશે.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સર્કિટ હાઉસમાં બેસીને રામધૂન બોલાવી હતી અને ‘ભાજપ હાય હાય’ ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનાં સૂત્રો અને સીસીટીવી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, તેઓ સર્કિટ હાઉસના મેનેજરને આ મુદ્દે પૂછવા આવ્યા છે કે કયા ધારાસભ્યના દબાણ હેઠળ કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે જનતાને અપીલ કરી છે કે જો કોઈ ભાજપના સત્તાધીશો દ્વારા તેમને દબાવવામાં આવતા હોય કે તોડ કરવામાં આવતો હોય, તો તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરે, કોંગ્રેસ તેમને ન્યાય અપાવવાનું કામ કરશે. આ ઘટનાએ હાલ રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.


