ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને એક મહત્ત્વપૂર્ણ પત્ર લખીને રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ યોજનામાં લોકોને પડતી ગંભીર મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ પત્રમાં ખાસ કરીને આયુષ્યમાન કાર્ડના રિન્યુઅલ અને નવા કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં થતા વિલંબ તેમજ હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર દરમિયાન આવતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે.
પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને પત્ર
તેમણે જણાવ્યું હતું કે “તાત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતો હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી ઊભી થાય છે.” કાનાણીએ વહીવટીતંત્રની અણઆવડત અને બેદરકારી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં એપ્રુવલ (મંજૂરી) ન મળવાને કારણે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે, જે શરમજનક બાબત છે. કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને વિનંતી કરી છે કે તેઓ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને દર્દીઓને તુરંત સારવારનું એપ્રુવલ મળે તેવું આયોજન ગોઠવે.


