વૈશાખ સુદ-5 એટલે શ્રીરામાનુજાચાર્યજીનો જન્મદિવસ. આપણે સહુ જાણીએ છીએ કે શ્રીરામાનુજાચાર્યજી એટલે શ્રી સંપ્રદાયના પ્રણેતા. શ્રીકેશવાચાર્યજીએ શ્રેષ્ઠ પુત્રરત્નની પ્રાપ્તિ માટે મદ્રાસના સમુદ્રકિનારે કુમુદ સરોવરના તીર ઉપર યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે પાર્થસારથી ભગવાન શ્રી કેશવાચાર્યજીના સ્વપ્નમાં આવ્યા ને કહ્યું. હું તારા પુત્રના રૂપમાં અવતાર લઈશ.
શ્રી રામાનુજાચાર્યજીનો જન્મ
શ્રી પાર્થસારથી ભગવાનની કૃપાથી ઈ.સ. 1017માં સૂર્ય જ્યારે મેષ રાશિમાં હતો ત્યારે આદ્રા નક્ષત્રમાં કર્કટ લગ્ન એટલે 12 વાગ્યે મધ્યાહ્ને ચૈત્ર સુદ પાંચમ ને ગુરુવારે થયો હતો. પિતા શ્રીકેશવાચાર્યજી અને માતા કાંતિમતીના સદાચારી પુત્ર હતા.
શ્રી રામાનુજાચાર્યજીનું જીવનચરિત્ર
શ્રી રામાનુજાચાર્યજી આલવંદારશ્રી યામુનાચાર્યજીની પરંપરામાં હતા. ખૂબ જ નાની ઉંમરમાં તેણે પિતાજીની છત્રછાયા ગુમાવી. તેઓએ શ્રી કાંચીમાં જઈને યાદવપ્રકાશજી પાસેથી વિદ્યા મેળવી વેદોનું અધ્યયન કર્યું. વિદ્યામાં, ચરિત્રબળમાં અને ભક્તિમાં શ્રીરામાનુજાચાર્યજી અદ્વિતીય હતા. આ બળથી જ કાંચીનગરીમાં રાજકુમારીને ભૂતપ્રેત બાધાથી મુક્તિ અપાવી. એક સમયે યામુનાચાર્યજી મૃત્યુની ઘડી ગણી રહ્યા હતા ત્યારે શ્રીરામાનુજ ત્યાં પહોંચી ગયા. એ સમયે યામુનાચાર્યજી પરમધામ પહોંચી ગયા હતા. શ્રી રામાનુજે યામુનાચાર્યની ત્રણ આંગળી વળેલી જોઈ. તુરત જ તેઓ સમજી ગયા કે આ સંકેત મારી તરફ છે કે, મારા દ્વારા બ્રહ્મસૂત્ર- શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ અને આલવંદાર આ ત્રણેય ઉપર વિશેષ ટીકા લખાવવા માંગે છે. એ જ સમયે શ્રીરામાનુજાચાર્યજીએ યામુનાચાર્યજીના મૃતદેહને પ્રણામ કરીને કહ્યું કે આપની આ ત્રણેય આજ્ઞા શિરોધાર્ય છે. આ ત્રણેય ગ્રંથો ઉપર વિશેષમાં વિવરણ તૈયાર કરીશ અને કરાવીશ. આટલું બોલતા જ ત્રણેય આંગળીઓ ખૂલી ગઈ.
શ્રી મહાપૂર્ણ સ્વામીજી દ્વારા પંચસંસ્કાર દિક્ષા ગ્રહણ
યામુનાચાર્યજીના પ્રધાન શિષ્ય શ્રી મહાપૂર્ણ સ્વામીજી દ્વારા શંખ ચક્રની તપ્તમુદ્રા બંને બાજુ ઉપર ધારણ કરી સંપ્રદાયને સમાશ્રિત થયા. ત્યારબાદ ગૃહસ્થનો ત્યાગ કરી શ્રીરંગમ જઈને યતિરાજ સંન્યાસી પાસેથી સંન્યાસીની દિક્ષા ગ્રહણ કરી. શ્રી રામાનુજાચાર્યજીએ તિરુકોટ્ટીથુર મહાત્મા નાંબી પાસેથી અષ્ટાક્ષર મંત્ર (ૐ નમ: નારાયણાય)ની દિક્ષા લીધી. ગુરુએ આ મંત્ર ગુપ્ત રાખવા કહ્યું. શ્રી રામાનુજાચાર્યએ મંદિરના શિખર ઉપર ચડી દરેક લોકોને આ મંત્રનું જાહેરમાં દાન કર્યું. ગુરુ ગુસ્સે થયા ને બોલ્યા કે તું નરકમાં જઈશ ત્યારે શ્રી રામાનુજાચાર્યજી ખૂબ આનંદમાં આવી ગયા કે કંઈ વાંધો નહીં, લોકો આ મંત્રથી પરમપદ પામી જશે તો હું આ માટે નરક ભોગવવા તૈયાર છું. આ સાંભળી ગુરુએ ખૂબ જ પ્રેમથી આશીર્વાદ આપ્યા.
શ્રી રામાનુજાચાર્યજીના જીવનનો રસપ્રદ પ્રસંગ
શ્રી રામાનુજાચાર્યજી ઓરિસા શ્રી જગન્નાથજીનાં દર્શને પુરીમાં ગયા ત્યાં મંદિરની અંદર પૂજારી-પંડાઓને આચારભ્રષ્ટ જોયા. તેને ખૂબ જ દુ:ખ થયું એ જ સમયે તેને પોતાના એક હજાર શિષ્યોને મંદિરની સેવામાં લગાડી. પંડા-પૂજારીઓને રજા આપી દીધી. જગન્નાથજી ભગવાને સ્વપ્નમાં આવી રામાનુજાચાર્યને કહ્યું પંડા લોકો મારી સામે તાળી પાડી નૃત્ય કરે છે. તેઓ મને પ્રિય છે. તેઓ ગરીબ છે. તેઓ જ મારી પૂજા કરશે. શ્રી રામાનુજાચાર્યજી પંડાને પૂજા કરવા દેવા માંગતા ન હતા. આ તરફ જગન્નાથજી ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે શ્રી રામાનુજાચાર્યજીને તેમજ તમામ શિષ્યોને શ્રીરંગમ પહોંચાડી દો. એ સમયે આ તમામ ઊંઘમાં હતા ત્યારે જ ગરુડજીએ શિષ્યો સહિત શ્રી રામાનુજાને શ્રીરંગમ પહોંચાડી દીધા અને ફરીથી પંડા-પૂજારીઓને પોતાની નિત્ય સેવામાં લગાડી દીધા. સવારે ઊઠ્યા ત્યાં પોતે શ્રીરંગમાં હતા આ ઘટના જોઈ ભગવાનની ભક્તવત્સલતા જોઈ ગદ્ગદિત થઈ ગયા. – જ્યોતિન્દ્ર કે. અજવાળિયા


