- 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
- દેશના દરેક ગામમાં થશે લાઇવ ટેલિકાસ્ટ
- કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આપી માહિતી
અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇને દેશવાસીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણના દરેક લોકો સાક્ષી બને તેવી સૌને ભાવના છે. પરંતુ સૌ કોઇ તો આ પ્રસંગે અયોધ્યા હાજર રહી શકે નહી. તેવામાં દેશના દરેક ગામમાં અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ ટેલિકાસ્ટ બતાવાશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું.
દરેક નાગરિક લાઇવ જોશે- જી કિશન રેડ્ડી
કેન્દ્રીય મંત્રી અને તેલંગણા ભાજપના અધ્યક્ષ જી. કિશન રેડ્ડીએ કહ્યું કે દેશભરમાં કોઇ એવુ ગામ નહી હોય તે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ સમારોહ નહી દેખાય. તેમણે 22 જાન્યુઆરીના આયોજનને ભારતની આઝાદી પછી હિંદુઓ માટે સૌથી ભવ્ય આયોજન પણ ગણાવ્યું. વધુમાં જણાવ્યું કે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા લોકો રામ મંદિરના અભિષેકની રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ ખુશ પણ છે. સમગ્ર દેશમાં એવું કોઈ ગામ બાકી નહીં હોય, જ્યાં લોકો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ જોઈ શકશે નહીં. આ કાર્યક્રમ ન્યુયોર્ક ટાઇમ સ્ક્વેર પર પણ લાઇવ બતાવવામાં આવશે.
ઘણી બધી સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ થશે
આ સાથે જ ભાજપના નેતાએ જણાવ્યું કે ઘણી બધી સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. લોકોને ભોજનનું પણ વિતરણ કરાશે. સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરાશે. વિવિધ ક્ષેત્રોના લોકો ભગવાન રામની સેવામાં ભાગ લેવા માંગે છે. વધુમાં જણાવ્યું કે તેલુગુ ફિલ્મ હનુમાનના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે તેઓ જે ટિકિટનું વેચાણ કરવામાં આવ્યુ તે પ્રત્યેક ટિકિટ માંથી 5 રૂપિયાનું દાન કરશે.


