- ચોમાસાની સીઝનને ધ્યાને લઈને તંત્ર એલર્ટ
- મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવવા કવાયત
- સરગાસણમાં મચ્છરોના પોરા મળી આવતા નોટીસ
ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રવર્તમાન ચોમાસાની સીઝનને ધ્યાને લઈને વિવિધ વિસ્તારોમાં વાહકજન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ચાંદીપુરાના ફેલાવાને અટકાવવા માટે સર્વેલન્સ, પોરાનાશક તેમજ ફોગીંગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના સરગાસણના TP-9 વિસ્તારમાં આવેલ બાંધકામ સાઈટ પ્રમુખ પ્રેઈઝ પર તપાસ કરતા ત્યાં મચ્છરોના પોરા મળી આવતા નોટીસ આપવા છતાં કામગીરી નહી કરાઈ હોવાથી 8 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાવોલની સહજાનંદ સ્કાય સાઈટને પણ રૂ. 10 હજારનો દંડ કરી સાઈટ સીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. અહીં આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં ઓઈલીંગ કામગીરી કરાવવામાં આવ્યું હતું.
સગર્ભા માતાઓ બહેનોને જાગૃત કરવામાં આવ્યા
દર શુક્રવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ સરકારી/ખાનગી શાળાઓમાં સર્વેલન્સની કામગીરી ચાલુ છે. જેમાં શાળાઓની અગાસી તેમજ પરિસરમાં ભરાયેલ પાણીનો નિકાલ તેમજ બાળકોમાં પોરા નિર્દેશન દ્વારા મચ્છર સંવર્ધન અટકાવવા અંગે સમજ આપવામાં આવી રહી છે. તેમજ મમતા દિવસે સગર્ભા માતાઓ બહેનોને પણ મચ્છરથી બચવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પામી રહેલ મેટ્રોના સેક્ટર 1, ઇન્ફોસિટી, ધોળાકુવા, રાંદેસણ, કોબાના મેટ્રો સ્ટેશનોમાં પણ સર્વે અને ઓઈલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદના વિરામ બાદ ભરાયેલ ખાડા ખાબોચીયોમાં મચ્છરોનું સંવર્ધન અટકાવવા આશરે 3 હજાર જેટલા ખાડા ખાબોચીઓમાં 80 લીટર જેટલું બળેલું ઓઈલ છાંટવામાં આવ્યું હતું. ઉપરાંત પહોંચી ના શકાય તેવી જગ્યાએ ઓઇલના બોમ્બ બનાવી છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
મચ્છરોનું સંક્રમણ અટકાવવા આઉટડોર ફોગીંગ
મચ્છરોનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં આઉટડોર ફોગીંગ પણ ચાલુ છે. જેમાં કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, વાવોલ, ઝુંડાલ તેમજ જુના સેક્ટરોમાં મોટા મશીનથી ફોગીંગ કરવામાં આવી રહેલ છે. જે આગામી સમયમાં પણ ચાલુ રહેશે. ચાંદીપુરા વાઇરસના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કાચા મકાનો તેમજ ઝુપડપટ્ટી વિસ્તારોમાં ઇન્ડોર રેસીડયુલ સ્પ્રે (IRS) દ્વારા કાચા મકાનોની દીવાલ પર આલ્ફા સાયપરમેથ્રીન દવાનો સ્પ્રે કરવામા આવી રહ્યો છે. જેમાં વર્તમાનમાં કુલ 915 જેટલા કાચા મકાનોમાં છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ 1500 જેટલા કાચા મકાનોની આસપાસ ડસ્ટીંગ કરવામાં આવ્યું છે.


