- 12 હજારથી વધુ લાભાર્થીઓને પીએમ જન-ધન યોજનાનો લાભ
- 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવા માટે ₹23.40 કરોડની સહાય મંજૂર
- 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે. પીએમ જન-ધન યોજના હેઠળ 12,229 આદિજાતિ વ્યક્તિઓના બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા છે.
39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે
આ ઉપરાંત આ અભિયાન હેઠળ ગુજરાતમાં આદિમજૂથના ફળિયા/ગામોમાં સામુદાયિક પ્રવૃત્તિ અને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ મળે તે ઉદ્દેશથી 39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે. જે માટે ભારત સરકારે ₹23.40 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે.
2023માં પીએમ જનમનને મંજૂરી અપાઈ
ઉલ્લેખનીય છે કે, ભારતના આદિજાતિ સમુદાયની અને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી હતી. પીએમ જનમન અંતર્ગત ₹24 હજાર કરોડના બજેટ સાથે કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો મારફતે 11 મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આદિજાતિ વિસ્તારો માટે આંગણવાડીઓ અને મોબાઈલ મેડિકલ યુનિટ
આદિમજૂથના ફળિયા/ગામોમાં આંગણવાડીઓની ખૂટતી સુવિધાઓની ઓળખ કરીને 67 જેટલા ફળિયા/ગામો માટે 67 નવી આંગણવાડીઓ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેને ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે જાન્યુઆરી 2024થી 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.
આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, વીજળી અને પાણી
પીએમ જનમન હેઠળ આદિમજૂથની બહુલક વસ્તી ધરાવતા વિસ્તારોમાં બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવા છાત્રાલયોની સ્થાપનાને મંજૂરી મળી છે. આદિજાતિના અંતરિયાળ તેમજ ઊંચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 2803 આદિમજૂથ કુટુંબોને શુદ્ઘ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ, 6473 આદિમજૂથ કુટુંબોને વીજ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પીએમ જનમન હેઠળ થયેલી અન્ય કામગીરી
• આદિમજૂથ સુમદાયની વસ્તી ધરાવતા ગામોમાં ગૌણ વન પેદાશો તેમજ અન્ય પરંપરાગત વસ્તુઓના વેચાણથી આવક ઊભી થાય તે માટે 21 વન ધન વિકાસ કેન્દ્રોને ભારત સરકારની મંજૂરી
• 1051 આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી કરવામાં આવી
• આદિજાતિ સમુદાયની 466 મહિલાઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ આપવામાં આવ્યો
• 2998 આદિજાતિ વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા
• 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા