તાજેતરમાં રાજ્યના વિકાસ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી તલાટી કમ મંત્રીઓને મોટી રાહત મળી છે. હવે તલાટીઓને ગ્રામ્ય સ્તરે રખડતા કૂતરાઓને પકડવાની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ વિકાસ કમિશનર દ્વારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે તેમને પકડવાની સૂચના આપવામાં આવી હતી.
આ કામગીરીને લઈ જોવા મળ્યો હતો ભારે વિરોધ
આ સૂચનાના પત્ર સામે તલાટીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને તેમણે આ કામગીરીમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી. તલાટીઓના ઉગ્ર વિરોધને ધ્યાનમાં લઈને વિકાસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી નવો પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમને આ વિવાદાસ્પદ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


