અષાઢ મહિનો વ્રત-ઉપાસનાનો મહિનો છે. અષાઢી બીજ, રથયાત્રા, ગૌરી વ્રત, જયા-પાર્વતી વ્રત, દેવશયની એકાદશી, ગુરુપૂર્ણિમા, ચાતુર્માસ (શરૂઆત) એમ બધું આ મહિનામાં આવે છે. અષાઢ સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ ગૌરી વ્રત- મોળાકત વ્રત કરવામાં આવે છે.
ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ભવિષ્યમાં મનગમતા પતિની પ્રાપ્તિ થાય છે.
શિવપુરાણમાં વર્ણિત કથા પ્રમાણે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિરૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા-પાર્વતીનું વ્રત કર્યું હતું. આ વ્રતોના પ્રભાવે જ તેમની મનોકામનાઓ પૂરી થઈ હતી. સામાન્ય રીતે કન્યા પાંચ વર્ષની થાય પછી સળંગ પાંચ વર્ષ ગૌરી વ્રત કરે છે અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ જયા-પાર્વતી વ્રત કરે છે. ગૌરી વ્રતમાં જવારાનું પૂજન કરવામાં આવે છે. જવારા પૂજન પાછળનો મહિમા એવો છે કે અષાઢ મહિનો વરસાદનો મહિનો ગણાય. ત્યારે પ્રકૃતિમાં એક નવા પ્રાણ ઉમેરાય છે. ધરતી હરિયાળી બને છે. તેના પ્રતીક રૂપે જ એક માટીના પાત્રમાં સાત પ્રકારનાં ધાન્ય જેમ કે, જવ, ઘઉં, તલ, મગ, તુવેર, ચોળા અને ચોખા વાવીને જવારા ઉગાડવામાં આવે છે. વળી, આ જવારાને માતા પાર્વતીનું પ્રતીક પણ માનવામાં આવે છે જ્યારે નાગલા શિવજીનું પ્રતીક મનાય છે. રૂની પૂણીને કંકુ વડે વચ્ચે વચ્ચે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલાં બનાવવામાં આવે છે. આ નાગલાં જવારાને અર્પણ કર્યા પછી બંને (શિવ-પાર્વતી)નું પૂજન કરવામાં આવે છે.
વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાંની સાથે શૃંગાર કરીને જવારા, નાગલાં અને પૂજાપાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવાલયમાં જાય છે. જવારાને નાગલાં ચડાવીને કંકુ-ચોખા દ્વારા ષોડ્શોપચાર પૂજા કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે.
ગૌરી વ્રતને મોળાકત એટલા માટે કહેવામાં આવે છે કે આ વ્રત દરમિયાન મીઠું નથી ખાવામાં આવતું અને પાંચ દિવસ મોઢું મોળું રાખવું પડે છે. કુમારિકાઓ ડ્રાયફ્રૂટ્સ અને ગળી વસ્તુ ખાઈને વ્રત કરે છે.
વ્રતના પાંચમા દિવસે જવારાઓનું નદી કે જળાશયમાં વિસર્જન કરીને રાત્રે જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા પાર્વતીની ઉપાસના કરાય છે. છઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે. સતત પાંચ વર્ષનું વ્રત પૂરું થયા પછી તેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કન્યાઓને જમાડીને સૌભાગ્યની વસ્તુઓ કે અન્ય વસ્તુઓની ભેટ આપવામાં આવે છે. વ્રત દરમિયાન સખીઓ સાથે મળીને ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ગોરમા… સહિતનાં ગીતો પણ ઉત્સાહપૂર્વક ગાય છે.