રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી
શાકભાજી, પાનના ગલ્લાવાળા સહિત ભીડભાળ વાળા સ્થળે રાત્રીના સમયે નોટો વટાવતો
એક જ સિરીઝની નોટો છાપવી ભારે પડી : સુરત SOGએ દબોચી લીધો
અગ્ર ગુજરાત, સુરત
સુરતમાં નકલી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક રત્નકલાકારે 500ના દરની 5000 નકલી નોટો(25 લાખ) એક વર્ષમાં બજારમાં ફરતી કરી હોવાની વિગતો બહાર આવી છે. આરોપીએ 25% કમિશનની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો હતો, પરંતુ એક જ સીરીઝના નંબરવાળી નોટો છાપવાની ભૂલ તેને ભારે પડી ગઈ હતી. આ ચોક્કસ બાતમીના આધારે સુરત SOGએ કાર્યવાહી કરીને પરેશ હડિયાને 5 લાખની નકલી નોટો સાથે ઝડપ્યો છે.
સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા એક શખ્સની લાલચે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા 6 વર્ષથી કિરણ ડાયમંડમાં 20,000ના પગારથી નોકરી કરતા પરેશ હડિયા નામના રત્નકલાકારે રાતોરાત અમીર બનવાના મોહમાં નકલી નોટો બજારમાં વટાવવાનું શરૂ કર્યું હતું. આર્થિક સંકડામણ દૂર કરવાના બહાને તેણે ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો, જે આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.

પોલીસ દ્વારા પરેશ હડિયાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે છેલ્લા એક વર્ષમાં અંદાજે 25 લાખથી વધુની નકલી નોટો બજારમાં વટાવી દીધી છે. તે ખાસ કરીને શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને ભીડભાડવાળા વિસ્તારોમાં જઈ રાત્રિના સમયે આ નકલી નોટો પધરાવી દેતો હતો. આ કૌભાંડમાં તેને વેચાણના 25% કમિશન મળતું હતું, જ્યારે બાકીના 75% હિસ્સો મુખ્ય સૂત્રધારને જતો હતો.
ડીસીપી રાજદીપ સિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સુરત એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વરાછા અને સરથાણા વિસ્તારમાં કોઈ વ્યક્તિ મોટા પાયે નકલી નોટો વટાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા મીની રોડ પરથી પરેશ હડિયાને ઝડપી પાડ્યો હતો. તલાશી લેતા તેની પાસેથી 500 ના દરની કુલ 5 લાખની ઉચ્ચ ગુણવત્તાવાળી નકલી નોટો મળી આવી હતી, જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે.
સાવરકુંડલાનો રાજુ વાઘમશી મુખ્ય સુત્રધાર
આ આખા નેટવર્ક પાછળ સાવરકુંડલાનો રહેવાસી રાજુ કનુભાઈ વાઘમશી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. રાજુ જ પરેશને આ હાઈ ક્વોલિટી નકલી નોટો સપ્લાય કરતો હતો. હાલમાં સુરત પોલીસ રાજુ વાઘમશીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જેથી જાણી શકાય કે આ નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં ચાલી રહ્યું છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે મોટી રકમની લેવડદેવડ વખતે નોટોના ફીચર્સ અચૂક તપાસવા.


