- 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન : વર્કશોપ બાદ યુનિ.એ સત્તાવાર આંકડા જાહેર કર્યા
- ABC ID જનરેટ થવામાં યુનિવર્સિટીને 80 ટકા સફળતા મળી હોવાનો દાવો
- 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન સામે 43,600ના એબીસી જનરેટ થયા
નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલ 43,600થી વધુ વિદ્યાર્થીઓના ABC ID જનરેટ થયા છે. નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત ABC અર્થાત એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સના અવેરનેસ માટે તાજેતરમાં યોજાયેલા એક વર્કશોપ બાદ યુનિવર્સિટી તરફથી સત્તાવાર રીતે આ આંકડા જાહેર કરાયા છે.
બીજી બાજુ રસપ્રદ વાત એ પણ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં 60 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ તો આ દરેક વિદ્યાર્થીએ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન સામે 43,600ના એબીસી જનરેટ થયા છે. યુનિવર્સિટીના સત્તાધીશો આ આંકડાને પ્રવેશ સંખ્યાના 80 ટકા એબીસી આઈડી જનરેટ કરવામાં સફળતા મળી હોવાના દાવા તરીકેરજૂ કરે છે. નવી શિક્ષણ નીતિ અન્વયે એબીસી આઈડી જનરેટ કરવાના લાભ વિદ્યાર્થીને મળે છે. કોઈ વિદ્યાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટીમાં અધૂરો અભ્યાસ છોડી બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થવું હોય તો એકેડેમિક બેંક મારફતે તેનો અગાઉની યુનિવર્સિટીનો ક્રેડિટ બેઝ જાણી શકાય છે. જે સરવાળે વિદ્યાર્થી માટે લાભદાયી બને છે. તાજેતરમાં આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્સીપાલ અને એબીસી આઈડી સાથે સંલગ્ન અન્ય લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
ઘણાં વિદ્યાર્થીઓનો આધારકાર્ડનો ડેટા મેચ ન થતા ABC ID જનરેટ થયા નથી : ABC કો.ઓર્ડિનેટર
પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને ABC ID જનરેટ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે ગેપીંગનું કારણ એ છે કે વિદ્યાર્થીના આધારકાર્ડનો ડેટા યુનિવર્સિટીના ડેટા બેઝ સાથે મેચ થતો નથી. ઘણાં વિદ્યાર્થીઓની અટક, મોબાઈલ નંબર મેચ થયા નથી. તો ઘણાં વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર તેમના ફાધરના નામે હોવાથી તેમનો ડેટા જનરેટ થઈ શક્યો નથી. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવા પણ યુનિવર્સિટી પ્રયત્નશીલ બની છે.