પેથાપુરમાં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા. 8.85 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે અજાણ્યા તસ્કરો સામે મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પેથાપુર પોસ્ટઓફિસ સ્વામિનારાયણ વાડા પાસે રહેતા કાંતિભાઇ અમરભાઇ શર્માના બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કર્યુ હતું. કાંતિભાઇ ફોટોગ્રાફિ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તા. 12ના રોજ પોતાનું મકાન બંધ કરી સાસરી હાલોલમાં ધાર્મિક પ્રસંગે ગયા હતા. બીજા દિવસે તેમના ભાઇ દેવકીનંદને તેઓને ફોન કરીને ચોરીની ઘટનાની જાણ કરી હતી. દેવકીનંદન શર્મા સવારે પોતાના ભાઇના ઘરે પુજાપાઠ કરવા ગયા હતા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલુ જોયુ હતું.
ચોરી થયાની જાણ થતા કાંતિભાઇ તુંરત જ હાલોલથી પેથાપુર દોડી આવ્યા હતા. ઘરે તપાસ કરતા સરસામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. તસ્કરોએ કબાટોના લોક અને ડ્રોવરના લોક તોડી નાખ્યા હતા. બોક્સ પલંગ પણ ખુલ્લો હતો. પ્રાથમિક તપાસમાં તસ્કરોએ ઘરમાં રાખેલા રૂા. 6.85 લાખના સોનાના દાગીના તથા બે લાખ રોકડ મળી રૂા. 8.85 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પેથાપુર પોલીસ
સ્થળ પર દોડી આવી હતી. પોલીસે કાંતિભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.


