- સગા દિકરા, પૌત્ર સહિત પાંચ આરોપીઓ પકડાયા
- વૃદ્ધનું મોં દબાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
- પોલીસે 3 મહિલા આરોપીઓની પણ ધરપકડ કરી
ગીર સોમનાથના ઉનામાં વૃદ્ધની હત્યા થયા હોવાની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી હતી. ઉનાના વાસોજ ગામે થોડા દિવસ પહેલા રાત્રિના સમયે વૃદ્ધની ખાટલામાં સુતા હતા તમે હત્યા કરવામાં આવી હતી.
ઘરકંકાસ બાબતે વૃદ્ધની હત્યા થઈ હોવાનું સામે આવ્યું
ત્યારે હવે આ હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનાના આરોપીઓને ઝડપી પાડ્યા છે. નવાબંદર પોલીસે ત્રણ મહિલા સહિત કુલ 5 આરોપીને દબોચ્યા છે. રાત્રિના સમયે આરોપીઓ દ્વારા ફળિયામાં સૂઈ રહેલા વૃદ્ધનું મોં દબાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓમાં મૃતકનો દીકરો, પૌત્ર, દીકરાની વિધવા વહુ, મૃતકની મા, ભત્રીજાની વિધવા વહુ એમ મળી કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૃતક વૃદ્ધ આરોપી ઘરની મહિલાઓનું શારીરિક શોષણ કરતો હોવાને લઈ આ હત્યાને અંજામ અપાયું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં યુવકની હત્યા કરાઈ
અમદાવાદના રાયખડમાં યુવકની હત્યા કરવામાં આવી અને રાયખડ ચાર રસ્તા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું ગળું દબાવી માથામાં ઈજા પહોંચાડીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. દિવસે દિવસે શહેરમાં હત્યાની ઘટનાઓમાં મોટો વધારો થઈ રહ્યો છે. ત્યારે રાયખડમાંથી અજાણ્યા યુવકના મૃતદેહના ગળા પર પટ્ટો વીંટી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક અને આરોપીની શોધખોળ આદરી છે.
કચ્છમાં રાત્રે બનેવીએ સાળાના માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી
આદિપુરમાં 6 મહિનાથી ઘરે રીસાઈને બેસેલી બહેનના પારિવારિક રકઝક મુદ્દે બનેવીએ મોડી રાત્રે નિંદ્રાધીન સાળાના માથામાં કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પછી આદિપુર પોલીસ હરકતમાં આવી છે અને હત્યા કરી ફરાર થયેલા હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી. ઘરકંકાસના લીધે પત્ની 6 મહિનાથી માવતરે રીસામણે બેઠી હતી, ત્યારે તેની અદાવતમાં ઉશ્કેરાયેલા પતિએ સાળાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.