ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
મેઈન્ટેનન્સ કામગીરી અંતર્ગત નિર્ણય: તા.૧૯મીથી સેવા પુન: શરૂ કરાશે
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે.
ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 12 એપ્રિલ 2026થી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
આ સમયગાળા દરમિયાન રોપ-વેના મશીનરી ચેકઅપ, વાયર રોપનું નિરીક્ષણ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારે મેઈન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરોની સલામતી માટે અત્યંત અનિવાર્ય હોય છે.
ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને વડીલો, બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન સાબિત થયો છે. રોપ-વે શરૂ થયા બાદ અંબાજી સુધી પહોંચવાનો સમય અને શ્રમ બંનેમાં મોટો ઘટાડો થયો છે. જોકે, સાત દિવસ સુધી આ સેવા બંધ રહેવાના કારણે જે પ્રવાસીઓએ આ દિવસો દરમિયાન જૂનાગઢ આવવાનું આયોજન કર્યું હોય, તેઓએ પોતાની મુસાફરીમાં ફેરફાર કરવો પડશે અથવા પગથિયાં ચઢીને ઉપર જવું પડશે.
રોપ-વે મેનેજમેન્ટે વધુમાં સ્પષ્ટતા કરી છે કે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સવારથી જ રોપ-વે સેવા ફરી પૂર્વવત કરી દેવામાં આવશે.
ગિરનાર રોપ-વે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢની શાન માનવામાં આવે છે. પર્વતની ઉંચાઈ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવી પડતી હોય છે. ટેકનિકલ ટીમ દ્વારા આ સાત દિવસમાં તમામ ટ્રોલી અને સેન્સરનું પણ બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે. વેકેશન અને જાહેર રજાઓના દિવસો પહેલા આ મેઈન્ટેનન્સ પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આવતા પ્રવાસીઓના ધસારાને કોઈ પણ અવરોધ વિના પહોંચી વળાય.


