- સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં વર્ષોથી દર રવિવારે રવિવારી બજાર ભરાય છે
- દર રવિવારે સપ્તાહની રોજીરોટી કમાતા પરિવારોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ
- વિચરતા સમુદાય સમર્થન મંચના નેજા હેઠળ જરૂરિયાતમંદ પરિવારોની રજૂઆત
સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં વર્ષોથી દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જેમાં વિચરતી અને વિમુકત જાતિના પરિવારો જુના કપડા વેચવાનો, જુના ફર્નિચર વેચવાનો ધંધો કરે છે. હાલ મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનવાનું હોય તેઓને ત્યાં ગત રવિવારે બેસવા દેવાયા ન હતા. ત્યારે હાલ રોજગારી છીનવાઈ જવાના ભય સાથે આ પરિવારોએ પાલિકા અને કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી કાયમી જગ્યાની માંગણી કરી છે. સુરેન્દ્રનગરમાં કાંગસીયા, બાવરી, મિયાણા, દેવીપૂજક સમાજના વિચરતી અને વિમુકત જાતિના પરીવારો વસે છે. આ પરિવારો સદીઓ પહેલા ધંધા-રોજગાર માટે એક સ્થળેથી બીજા સ્થળે વિચરણ કરતા હોવાથી તેઓને વિચરતી અને વિમુકત જાતિના પરીવારો કહેવાય છે. છેલ્લા થોડા વર્ષોથી આ પરીવારો સ્થાયી થયા છે. અને દર રવીવારે મેળાના મેદાનમાં ભરાતી રવિવારે બજારમાં ધંધો કરે છે. જેમાં જુના કપડા વેચવાનો, ફર્નીચર સહિત ઘરવખરીનો જુનો સામાન વેચવાનો વ્યવસાય તેઓ કરે છે. દર રવિવારે તેઓ સમગ્ર અઠવાડીયાનું કમાઈ લેતા હોય છે. પરંતુ હાલ મેળાના મેદાનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બની રહ્યુ હોઈ ગત રવિવારે આ પરીવારોને મેળાના મેદાનમાં બેસવા દેવાયા ન હતા. આથી મંગળવારે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસના નેજા હેઠળ આ ગરીબ પરિવારોએ મહિલાઓ સાથે ટાંકી ચોકથી કલેકટર સુધી બેનર સાથે રેલી યોજી હતી અને પાલીકા તથા કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં રાજુભાઈ વેરશીભાઈ, કીશનભાઈ સુખાભાઈ, દીપકભાઈ કાળુભાઈ સહિતનાઓના જણાવાયા મુજબ મેળાના મેદાનમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષના બનવા સામે અમોને કોઈ વાંધો નથી. પરંતુ વર્ષોથી અમારી રોજીરોટીની જગ્યા છીનવાઈ રહી છે. આથી અમારી રોજીરોટી કાયમ રહે તે માટે અમોને કાયમી જગ્યાની ફાળવણી કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.


