- ઈઝરાયેલ પર હુમલા પહેલાં રૂ. 58500વાળું સોનું શનિવારે રૂ. 61,500 પર બોલાયું
- સપ્તાહમાં 10 ગ્રામે સોનામાં રૂ. 3,000ની વૃદ્ધિ
- શુક્રવારે વિશ્વ બજારમાં ગોલ્ડ 65 ડોલર ઉછળી 1900 ડોલરને પાર
ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ પાછળ ગોલ્ડમાં આગઝરતી તેજી જોવા મળી છે અને તેણે છ મહિનામાં સૌથી તીવ્ર ઉછાળો દર્શાવ્યો છે. અમદાવાદ ખાતે હાજર સોનુ શનિવારે રૂ. 61500ની છેલ્લાં ચાર મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. ઈઝરાયેલ પર હુમલાના અગાઉના સત્રમાં તે રૂ. 58500ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. આમ સપ્તાહમાં 10 ગ્રામે રૂ. 3000નો ઉછાળો નોંધાયો છે. વિશ્વ બજારમાં ગોલ્ડ 1810 ડોલરના છ મહિનાના તળિયેથી 130 ડોલર ઉછળી 1929 ડોલર પર પહોંચ્યું હતું. શુક્રવારે વિશ્વ બજારમાં ગોલ્ડ 65 ડોલર ઉછળી 1900 ડોલરને પાર કરી ગયું હતું. ફેબ્રુઆરી પછી એક દિવસમાં તેનો સૌથી મોટો ઉછાળો હતો. ભારતીય બજારમાં છેલ્લાં બે સત્રોમાં સોનું રૂ. 1500 જેટલું ઉછળ્યું હતું. શુક્રવારે મોડી સાંજે સોનું રૂ. 60 હજારની સપાટી કૂદાવી ગયું હતું. જ્યારે ચાંદીએ રૂ. 70 હજારનું સ્તર પાર કર્યું હતું. એમસીએક્સ ખાતે શુક્રવારે ગોલ્ડ રૂ. 1497ના ઉછાળે રૂ. 59415 પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 2294 ઉછળી રૂ. 71368 પર બોલાઈ હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં ચાંદીના રેટ શનિવારે રૂ. 73000 પ્રતિ કિલોગ્રામ જોવા મળતાં હતાં.