દુબઇથી ૬૫ લાખનું ગોલ્ડ સ્મગલ કરી લાવતા હતા : જહોનીસબર્ગથી ચાલતું હતું નેટવર્ક
આંતરરાષ્ટ્રીય ફ્રી ટ્રેડ ઝોનમાં સોનાના ભાવ અને ભારતમાં ટેકસ સહિતના સોનાના ભાવ વચ્ચે ખાસ્સો તફાવત રહેતો હોવાથી વાયા દુબઇ, સોનાની દાણચોરીનું રેકેટ દેશમાં વધ્યું છે. સુરત એસઓજીએ દુબઇના પ્રવાસેથી આવતા એક મૌલવી, દંપતિ સહિત ચાર શખ્સોને રૂ.૬૫ લાખના સોના સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે સુરત એસઓજીએ રવિવારે મળસ્કે જહાંગીરપુરા સાયણ હજીરા રોડ શિવમ હોટલ પાસેથી મોસાલીના શાહગામના મદ્રેસાના મૌલવી, માંગરોળના દંપતિ સહિત ચારને રૂ.૬૪.૮૯ લાખના ૯૨૭ ગ્રામ સોના સાથે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.૭૬.૧૪ લાખનો મુદામાલ કબ્જે કરી આ નેટવર્ક ચલાવતા જોહનીસબર્ગ અને દુબઇ રહેતા માંગરોળના બે મિત્ર તેમજ સોનું મંગાવનાર વડોદરાના સોનીને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજીના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીઆઇ એ.પી.ચૌધરીને મળેલ બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ રવિવારે મળસ્કે જહાંગીરપુરા સાયણ હજીરા રોડ શિવમ હોટલ પાસેથી દુબઇથી એર ઇન્ડિયા એકસપ્રેસની ફલાઇટમાંથી ઉતરી કારમાં ત્યાં આવેલા પોતાના ગામમાં જ મોબાઇલ શોપ ચલાવતા નઇમ મો.હનીફ સાલેહ, તેની ગૃહિણી પત્ની ઉમૈમાએ પોતાની પાસેની ચાર ટ્રોલી બેગ ત્યાં તેમની રાહ જોઇ ઉભેલા મોસાલીના શાહગામના મદ્રેસાના મૌલવી અને ખેડૂત અબ્દુલસમદ ફારૂક બેમાત અને તેના ડ્રાઇવર ફિરોઝ ઇબ્રાહીમ નૂરને સોંપી તે સાથે જ ઝડપી લીધા હતા. એસઓજીએ તમામને ફિલ્ડ ઓફિસ લઇ જઇ ચાર ટ્રોલી બેગની બારીકાઇથી તપાસ કરતા તેમાં રેકઝીનની નીચે એક પાતળું લેયર મળ્યું હતું. તેને કાપી મળેલી પેસ્ટને બાદમાં સોનીને બોલાવી ગાળતા એસઓજીને કુલ રૂ.૬૪.૮૯ લાખની મત્તાનું ૯૨૭ ગ્રામ સોનું મળ્યું હતું. એસઓજીએ તેમની પાસેથી સોનું ઉપરાંત એક કાર, પાંચ મોબાઇલ ફોન, બે પાસપોર્ટ, બે બોડીંગ પાસ, દુબઇથી સોનું ખરીદ્યાના બે બિલ વિગેરે મળી કુલ રૂ.૭૬.૧૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીએ તેમની પુછપરછ કરતા અબ્દુલસમદ ફારૂક બેમાતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી દ.આફ્રિકાના જહોનીસબર્ગ ખાતે રહેતો અને પિતરાઇ ભાઇ સોકત મોહમદ બેમાત અને હાલ દુબઇ રહેતો તેનો મિત્ર શહેજાદ અફઝલ શાહ સાથે મળી તે સુરત જિલ્લાના માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઇ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસે ટ્રોલી બેમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમીકલ મિકસ કરી છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી તેને સ્થાનિક માર્કેટમાં વેચે છે. તેઓ તે માટે નજીકના જ સર્કલના ૧૫ થી ૨૦ વ્યકિતને વારાફરતી દુબઇ પોતાના ખર્ચે મોકલે છે. દંપતિ જે સોનું લાવ્યું હતું તેનો ઓર્ડર વડોદરાના સોની ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણે આપ્યો હતો. એસઓજીએ આ અંગે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી નેટવર્ક ચલાવતા બંને મિત્રો સોકત મોહમદ બેમાત અને શહેજાદ અફઝલ શાહ તેમજ સોનું મંગાવનાર વડોદરાના સોની ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ કોણ પકડાયું
(૧) નઇમ મો.હનીફ સાલેહ (ઉ.વ.૨૯)
(૨) તેની પત્ની ઉમૈમા નઇમ સાલેહ (ઉ.વ.૨પ)
(3) અબ્દુલ સમદ ફારૂક બેમાત (ઉ.વ.33)
(૪) ફિરોઝ ઇબ્રાહીમ નૂર (ઉ.વ.૪૮)


