- ગોમતી ઘાટ પર પથ્થરની બનાવેલ મઢૂલીની નગરપાલિકાએ જાળવણી ન કરી
- રાત્રીના સમયે ઘટના બનતા જાનહાનિ ટળી
- શ્રીકૃષ્ણના પગલાંના દર્શન કરવા જવા માટે અહીંથી ભક્તો પસાર થતા હોય છે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાંચ યાત્રાધામોના વિકાસ માટેની યાદીમાં ડાકોર ગોમતી ઘાટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ-ગાંધીનગર દ્વારા ડાકોરમાં આવેલ ગોમતીઘાટના બ્યુટીફ્કિેશન કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે ડાકોર નગરપાલિકાની જાળવણીના અભાવે ફેગટ સાબિત થયો.
ગત વર્ષે દિવાળીની સંધ્યા કાળે બાજુની છત્રી તૂટી પડી હતી. એ જ રીતે એક વર્ષની અંદર બાજુમાં જ બનાવેલી બીજી છત્રી તૂટી પડતાં ભાવિક ભક્તોનો તથા રાહદારીઓનો જીવ બચ્યો છે. રવિવાર અને પ્રથમ નવરાત્રીએ ભક્તો ડાકોરની મુલાકાત લેતા હોય છે. ગોમતી કિનારે ભગત બોડાણાની ભક્તિથી વશ થઈને શ્રીકૃષ્ણ ડાકોર આવ્યા અને શ્રીકૃષ્ણ જ્યાં સંતાયા હતા તે જગ્યાએ શ્રીકૃષ્ણના પગલાંના દર્શન કરવા જવા માટે અહીંથી ભક્તો પસાર થતા હોય છે. ભગવાનનું મંદિર બંધ થયું હોવાથી ભક્તો જતા રહ્યા હતા. અને મઢુલી તુટી પડતાં ભક્તોના જીવ બચ્યા હતા. નાગિરોકના ટેક્સના નાણાંથી યાત્રાધામ વિકાસ પાછળ કરેલા ખર્ચાઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. અનેક છત્રીઓ કાળમુખી બની ગમે ત્યારે ભાવિક ભક્તોનો ભોગ લઈ લેશે તેવી દહેશત ડાકોરના રહીશોમાં વર્તાઇ રહી છે.
આ બાબતે ડાકોરના નાગરિક બાબુભાઈ જણાવે છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને પગલે ગોમતી કિનારા પર કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. શું રાજ્ય સરકાર આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની બ્લેક લિસ્ટ કરશે ખરી?