- ગોંડલ યાર્ડ માં 45 હજાર ગુણી ની આવક જોવા મળી
- કપાસનો ભાવ 901થી 1516 રૂપિયા સુધી પહોંચ્યો
- સૌરાષ્ટ્રમાંથી પહોંચ્યા ખેડૂતો પોતાનો સામાન લઈને
રાજ્યમાં ખરીફ પાકની લણણી લગભગ પૂર્ણ થઈ છે અને વિવિધ માર્કેટ યાર્ડમાં પાક પહોંચી રહ્યો છે. જેમાં ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રના જાણીતા માર્કેટ યાર્ડ પૈકી એક છે. આ માર્કેટયાર્ડમાં કપાસ, ઘઉં, અડદ, સોયાબીનથી લઈ મગફળી જેવા પાકોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો સારા ભાવની આશાએ આ માર્કેટ યાર્ડમાં પોતાના તૈયાર પાક સાથે આવે છે.
શુક્રવારે મેઘરાજા ગોંડલમાં મન મુકીને વરસ્યા હતા, આ કારણે ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ હતી. આ વર્ષે સારા વરસાદના કારણે સોયાબીનની આવક મોટા પ્રમાણમાં થઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સોયાબીનની આવક 30 હજાર કટ્ટા આવક થઈ છે. જ્યારે મગફળીમાં 45 હજાર ગુણીની આવક થઈ હતી.
નોંધનીય છે કે, મગફળી ની હરાજીમાં 20 કિલો મગફળી ના ભાવ 900 /- થી 1400/- સુધીના બોલાયા હતા. જ્યારે સોયાબીનના હરાજીમાં 20 કિલોના ભાવ 700/- થી 900/- સુધીના ભાવ બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.
વિવિધ માર્કેટિંગ યાર્ડમાં થઈ આવક
આ તરફ રાજકોટ APMC ખાતે સોયાબીનનો ભાવ પ્રતિ મણનો ભાવ 735થી 890 રૂપિયા, કપાસનો ભાવ 1225થી 1527 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 498થી 559 રૂપિયા અને અડદનો ભાવ 1200થી 1905 રૂપિયા બોલાયો હતો. બટાકાનો ભાવ 160થી 361 રૂપિયા અને સૂકી ડુંગળીનો ભાવ 140થી 510 રૂપિયા નોંધાયો હતો.
મગફળી ઉપરાંતની જણસમાં સારી આવક
તેમજ અન્ય વસ્તુઓની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની 1140 બોરી, જીણી મગફળીની 4981 બોરી, જાડી મગફળીની 26978 બોરી, કપાસની 3562 બોરી, ધાણાની 3570, લાલ ડુંગળીની 6100 બોરીની આવક થઈ છે. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં નોંધાયેલા ભાવની વાત કરીએ, તો ટુકડા ઘઉંનો ભાવ 466થી 650 રૂપિયા, જાડી મગફળીનો ભાવ 871થી 1381 રૂપિયા, જીણી મગફળીનો ભાવ 921થી 1416 રૂપિયા, કપાસનો ભાવ 901થી 1516 રૂપિયા, ધાણાનો ભાવ 801થી 1471 રૂપિયા અને લાલ ડુંગળીનો ભાવ 101થી 486 રૂપિયા બોલાયો હતો.