- ગિફ્ટ સિટીને નવી પાંખ
- ગૂગલનું ફિનટેક સેન્ટર ખુલશે
- નવી પ્રોપર્ટી લીઝ પર લેવાઈ હોવાની જાણકારી
ગુજરાત હવે વિશ્વના ફલક પર એક નવું સ્થાન જમાવી રહ્યું છે, આ વાત જે પહેલા એક સ્વપ્ન સમાન હતી તે હવે હકીકત બની રહી છે. ખાસ કરીને પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીને ઉત્તરોત્તર નવી સફળતાઓ મળી રહી છે. જી હા હવે ગૂગલ પણ ગિફ્ટ સિટીમાં પોતાનું એક સેન્ટર ખોલી રહ્યું છે.
હાલના દિવસોમાં ફિનટેક સેક્ટર ખૂબ જ ચલણમાં છે. આ સેક્ટરના ગ્રોથની સીધી અસર ભારતના સ્ટાર્ટઅપ માર્કેટ અને અર્થવ્યવસ્થા પર પડી રહી છે. નવી ફાઈનાન્સ ટેક્નોલોજીને આધારિત સ્ટાર્ટઅપ અને ગૂગલ, એમેઝોન જેવી મોટી કંપનીઓના ફિનટેક સેન્ટર્સથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળે છે. ગુજરાતમાં આ સેક્ટરને એક મોટો બૂસ્ટ મળે તેવા સમાચાર સામે આવ્યા છે. હવે ગાંધીનગરની નજીકના ગિફ્ટ સિટીમાં ગૂગલ પોતાની ઓફિસ ખોલી રહ્યું છે. માહિતી મુજબ ગૂગલનું ફિનટેક સેન્ટર હવે ગિફ્ટ સિટીમાં ખુલવા જઈ રહ્યું છે.
ગિફ્ટ સિટી બનશે હબ
પીએમ નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું અને ફાયનાન્સ સેક્ટરનું એક મોટું હબ બનાવવા માગે છે. પોતાની સ્થાપના પછીથી ગિફ્ટ સિટીએ આ જ દિશામાં પ્રગતિ પણ કરી છે. અનેક મોટી અને મેગા કંપનીઓ હવે ગિફ્ટ સિટીમાં આવી રહી છે. ત્યારે આ જ દિશામાં હવે ગૂગલનું નામ પણ જોડાઈ ગયું છે. કેમ કે ગૂગલ પણ હવે ગિફ્ટ સિટીમાં પોતાનું ફિનટેક સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. આ માટે એક પ્રોપર્ટી પણ લીઝ પર લેવામા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું છે ગિફ્ટ સિટી?
ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.