- આરોગ્ય મંત્રીની સિનિયર અધિકારીઓ સાથે બેઠક
- UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર, સિવિલ સુપ્રિટેન્ડન્ટ હાજર
- ગઈકાલે જ આનંદીબેન પટેલે કરી હતી ટકોર
રાજ્યમાં છેલ્લા થોડાં દિવસોમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ અંગે હવે સરકાર પણ ચિંતિત બની રહી છે. નવરાત્રીના પર્વ દરમિયાન પણ ગરબા રમતા ખેલૈયાઓને પણ હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેના પછી હવે રાજ્યના આરોગ્ય મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને ડૉક્ટરો સાથે બેઠક યોજી છે.
એક તરફ રાજ્યમાં નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ હાર્ટ એટેકની સંખ્યામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં હાર્ટએટેકથી 15 લોકોના મોત થયો હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે સરકારે બેઠકો શરૂ કરી છે. જેમાં આરોગ્ય મંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને ડૉકટરો સાથે બેઠક યોજી છે.
આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રીની સાથે સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમની સાથે UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર, સિવિલ સુપ્રિટેન્ડન્ટ સહિત ઘણાં વરિષ્ઠ ડૉક્ટરો બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમને હાર્ટ એટેકની ઘટના અંગે ચર્ચા કરી હતી.
જ્યારે નોંધનીય બાબત છે કે, ગઈકાલે રવિવારના દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તેના અંગે ટકોર કરી હતી. જેની સાથે જ તેમણે કહ્યું હતું કે, આ માટે યોગ્ય એનાલિસિસ કરવાની જરૂર છે. તેમજ કોરોના કારણે હાર્ટ એટેક વધ્યા તે વાત ખોટી છે.