- સરકારી અનાજનો પુરવઠો મળતો રહેશે
- સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા હાથ ધરી
- સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓની મદદ લઈ શકાશે
ગુજરાત સરકાર અને રેશનિંગ દુકાન સંચાલક એસોસિએશન વચ્ચે હાલમાં અમુક મુદ્દાઓને લઈને મડાગાંઠ સર્જાઈ છે. જેના પગલે રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી છે. આનાથી દિવાળી ટાણે જ ગરીબોને અનાજ ન મળવાનો ખતરો ઉભો થયો છે, પરંતુ હવે આ મુદ્દે સરકાર પણ એક્શનમાં દેખાઈ રહી છે. તહેવારોમાં ગરીબોને અનાજ પહોંચાડવા અન્ય વિકલ્પોની વિચારણા હાથ ધરાઈ છે. NGO, દૂધ સહકારી મંડળીઓ અને સખી મંડળો થકી અનાજનું વિતરણ કરવાની વિચારણા હાથ ધરાઈ છે.
દુકાનદારોની હડતાળ
મહત્વનું છે કે રાજ્યમાં સસ્તા અનાજની દુકાન સંચાલકોની હડતાળના પગલે આજે સરકાર સાથે તેમના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. રેશનિંગ દુકાન સંચાલક એસોસિએશન સાથેની બેઠકમાં જો કે કોઈ નિર્ણય થયો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એસોસિએશનના હોદ્દેદારો કુંવરજી બાવળિયાને મળવા ગયા હતા. જે પછી એસોસિએશનના આગેવાન પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી. આમ દિવાળી પહેલા જ રાશનની દુકાનદારોની હડતાળના પગલે અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેમાં ગરીબોને તેમના હકનું અનાજ તહેવારોમાં જ ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે આ મામલાના ઉકેલ માટે સરકાર મેદાને છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ મામલે સરકાર જો રેશનિંગ દુકાનદારો સાથે મામલાનો ઉકેલ ન આવે તો વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે. ગરીબોને અનાજ વિતરણ માટે સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓની મદદ લેવાનું વિચારવામાં આવી રહ્યું છે. આમ સરકાર ગરીબોને દિવાળી ટાણે તેમના હકનું અનાજ પહોંચાડવા માટે એક્શનમાં આવી છે.
હડતાળ યથાવત રહેશે
જો કે આ મામલે પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત રહેશે. બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારની સ્પષ્ટતા છતાં દુકાનધારકો હડતાળ પર મક્કમ જોવા મળ્યા છે. બેઠક પૂર્વે જ સરકારે જણાવ્યું હતું કે, 20 હજાર કમિશન મુદ્દે બેઠક થઇ છે અને દુકાનદારો કહે છે 300થી વધુ રેશનકાર્ડના મુદ્દાનું શું છે. તેમજ અગાઉના નિર્ણયની વિસંગતતા દૂર કરવા ચર્ચા કરવામાં આવી છે. દુકાનદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી છેકે, 20 હજાર કમિશનની વાત સ્વીકારાઇ નથી. જ્યારે રાજ્યના મંત્રી બાવળિયાએ જણાવ્યું કે, તમામ માગણીઓ પહેલેથી સ્વીકારાઇ છે. દિવાળી સમયે હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે.
રાશનકાર્ડ ધારકો પરેશાન
હાલ આ દિવાળી ટાણે જ ગરીબો માટે ગ્રહણમાં સાપ આવ્યો જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. લાખો રેશનકાર્ડધારકો પરેશાન થઈ ગયા છે. જેમાં નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો પણ સરકાર દ્વારા જેતે સેન્ટરો ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તંત્ર અને દુકાનદારોની ખેંચતાણ વચ્ચે ગરીબોનો મરો થવાની સ્થિતિ ઊભી થઈ છે. કારણકે દુકાનદારોએ સ્પષ્ટ કર્યું છે કે, માગો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. જો કે આ મામલે સરકારે હવે અનાજ વિતરણ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાની વિચારણા હાથ ધરી છે. ખાસ કરીને દૂધ સહકારી મંડળીઓ અને સખી મંડળોની આ મામલે મદદ લેવામાં આવી શકે છે. જો કે આ મામલે વધુ નિર્ણય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા પછી જ લેવાઈ શકે છે એવું જાણકારીમાં સામે આવ્યું છે.
રાજ્ય સરકારે કરી હતી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક અને સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ રૂ. 20,000 થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.