- મેક્સિકોમાં અકસ્માતનો સીલસીલો યથાવત્
- ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા
- મેક્સિકોમાં એક વર્ષમાં 29 લોકોનાં મોત થયાનો ખુલાસો
ઉત્તરી મેક્સિકોમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. પેસેન્જર બસ અને માલસામાન ટ્રક વચ્ચેની અથડામણમાં 19 લોકોના મોત થયા હતા, જ્યારે 18 અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ માર્ગ અકસ્માત મેક્સિકોના ઉત્તર પશ્ચિમ સિનાલોઆ રાજ્યમાં થયો હતો. ,
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 37 લોકોથી ભરેલી બસ મઝાતલાન અને લોસ મોચીસ શહેર વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા અને બાકીના 18 લોકો ઘાયલ થયા હતા. રાજ્ય સિવિલ ડિફેન્સ ઑફિસના ડિરેક્ટર રોય નવરેતેના જણાવ્યા અનુસાર, બંદર શહેર મઝાતલાનની નજીક, ઇલોટા ટાઉનશિપમાં આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત કોસ્ટલ હાઈવે પર થયો હતો. હાઇવે બીચ-ફ્રન્ટ શહેરો Mazatlán અને Los Mochis ને જોડે છે. આ ભયાનક અકસ્માત બાદ હાઈવે પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. અકસ્માત બાદ કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી. એક અહેવાલ અનુસાર, અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઈમરજન્સી ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જેણે બચાવ કામગીરી શરૂ કરી હતી. હવે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મેક્સિકોમાં જીવલેણ માર્ગ અકસ્માતો સામાન્ય બની ગયા છે. ઘણી વખત વધુ સ્પીડ, ખરાબ વાહન કે ડ્રાઈવરના થાકને કારણે આવા અકસ્માતો બની રહ્યા છે. તાજેતરના વર્ષોમાં, દેશના ધોરીમાર્ગો પર માલવાહક ટ્રકોના અકસ્માતોમાં વધારો થયો છે. જુલાઈ 2023માં માર્ગ અકસ્માતમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં એક પેસેન્જર બસ દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં પહાડી માર્ગ પરથી લપસીને ખાડામાં પડી હતી.


