ઝેરી દવા પી કાકાના ઘેર પહોંચતા હોસ્પિટલે ખસેડાયો, જયાં સારવાર દરમ્યાન દમ તોડયો
અગ્ર ગુજરાત, રાજકોટ
મુળ કાલાવડના મકાજી મેઘપરનો વતની અને અને હાલ મવડી પ્લોટ ઉદયનગરમાં રહેતો યુવાન રાતે ઝેરી દવા પી ઉદયનગરમાં જ રહેતાં કાકાના ઘરે પહોંચી ઉલ્ટી કરવા માંડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્રણ મહિના પહેલા જ તેના પત્નિનું મૃત્યુ થયું હોઇ વિયોગમાં પગલુ ભર્યાની શક્યતા જણાવાઇ હતી. ડ્રાઇવર તરીકે કંપનીમાં નોકરી કરવા સાથે આ યુવાન જીઆરડી તરીકે પણ ફરજ બજાવતો હતો.
જાણવા મળ્યા મુજબ ઉદયનગરમાં રહેતો દીપકભાઇ દિનેશભાઇ દાણીધારીયા (ઉ.વ.૨૬) નામનો યુવાન રાતે સાડા અગીયારેક વાગ્યે ઉદયનગરમાં રહેતાં કાકા મનોજભાઇ જમનાદાસ દાણીધારીયાના ઘરે પહોંચ્યો હતો અને ઉલ્ટીઓ કરવા માંડયો હતો. પરિવારજનોએ તપાસ કરતાં તેણે ઝેરી દવા પીધાનું જણાતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અહિ પહોંચતા સુધીમાં તે બેભાન જેવો થઇ ગયો હતો. જો કે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દીપકભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સ્વજનોએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં. પરંતુ પત્નિ રિધ્ધીબેનનું ત્રણ મહિના પહેલા વાલ્વની બિમારીને કારણે મૃત્યુ થઇ ગયું હતું. ત્યારથી દીપકભાઇ ગુમસુમ રહેતો હોઇ તેના વિયોગમાં પગલુ ભર્યાની શક્યતા છે. દીપકભાઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવવાની સાથે કંપનીમાં ડ્રાઇવર તરીકે પણ નોકરી કરતો હતો. દાણીધારીયા પરિવારે ત્રણ મહિનામાં બબ્બે સ્વજન ગુમાવી દેતાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.


