- આયોજન પંચની જેમ ઉપાધ્યક્ષ તરીકે રાજકીય નિયુક્તિ થશે
- ટેક્રનોક્રેટ અને સિવિલાઈઝેશના તજજ્ઞો મળીને વિઝન 2047 માટે કામ કરશે
- ગુજરાત 2047 સુધી 3.5 ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યુ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નીતિ આયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટયૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન- GRIT ગ્રિટની સ્થાપના કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
પૂર્વકાળમાં કાર્યરત રહેલા રાજ્ય આયોજન પંચની જેમ ગ્રિટના અધ્યક્ષ મુખ્યમંત્રી રહેશે અને ઉપાધ્યક્ષ તરીકે રાજકીય વ્યક્તિની નિમણૂંક થશે. આ સંસ્થાન વિકસિત ભારત – 2047ની તર્જ ઉપર વિઝન ગુજરાત 2047ને પૂર્ણ કરવા કાર્યરત રહેશે.
ગુજરાત સરકારની નીતિ વિષયક બાબતોના ઘડતર, અમલ અને માનવજીવનને ઉચ્ચ માપદંડ સાથે આગળ લઈ જવા ગ્રિટમા ટેકનોલોજીના વિષય નિષ્ણાતો, સિવિલાઈઝેશનના તજજ્ઞોનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિંલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એટ 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપને રજૂ કર્યો હતો. કાઉન્સિલમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્રની સાથે અરનિંગ વેલ અને લિવિંગ વેલ એમ બે મુખ્ય આધાર સ્તંભ પર અમારી સરકાર દ્વારા તૈયાર આ રોડમેપ રાજ્યના નાગરીકોનું જીવન સ્તરને સર્વોત્તમ બનાવવા અને સમૃધ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્યો સાથે અમારી સરકાર આગળ વધવા માંગે છે. તે માટેના લક્ષ્યોને સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિધ્ધ કરવા થિંક ટેંક તરીકે ‘ગ્રિટ’ સ્થાપવામાં આવશે.
મુખ્યમંત્રીએ નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ઉલ્લેખ કરીને કહ્યુ કે, દેશની જનસંખ્યાના પાંચ ટકા જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે વર્ષ 2022- 23માં જીડીપીના 8.3 ટકાનું યોગદાન આપ્યુ છે. એટલુ જ નહિ, દેશની અર્થવ્યવસ્થામાં પણ ગુજરાત 2047 સુધી 3.5 ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યુ છે. પીએમ ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવ નીતિ, શ્રી અન્ન, પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમએસએમઈ, અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની વર્તમાન સિધ્ધીઓ અને ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા નક્કર આયોજનો અને કાર્યક્રમોની વિસ્તૃત ભૂમિકા પણ તેમણે આપી હતી.


