- ટેક્સવિભાગના અધિકારીઓના દરોડા
- રાજ્યભરમાં SGST વિભાગની કાર્યવાહી
- વેપારી આલમમાં દરોડાના પગલે હડકંપ
રાજ્યભરમાં SGST વિભાગની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, મોરબી, સુરત, રાજકોટ જેવા શહેરોમાં B2C વ્યવહારોમાં કરચોરી ઝડપવા માટે દરોડા પાડવામાં આવ્યા છે.
આજે રાજ્યભરમાં અનેક જગ્યાએ ટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ખાસ તો અમદાવાદ, રાજકોટ, સુરત, મોરબી, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, આણંદ અને ગાંધીધામમાં પણ ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે વેપારી આલમમાં હડકંપ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને B2C સેગમેન્ટમાં બેનામી વ્યવહારોને ઝડપી પાડવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
મોબાઇલ એસેસરીઝ, રેડી ટુ ઈટ ફુડના વેપારીઓ તેમજ પ્લાસ્ટીક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટના વેપારીઓને ત્યાં પણ SGST વિભાગની ટીમો ત્રાટકી હતી. ખાસ કરીને જીએસટી કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન મેળવવા માટે જવાબદાર હોવા છતાં રજીસ્ટ્રેશન ન મેળવીને ટેક્સચોરી કરતા વેપારીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે વેપારીઓ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ ટેક્સચોરી આચરી રહ્યા છે એવી બાતમીના આધારે ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 25 વેપારીઓને ત્યાં 46 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાયા હોવાની આશંકા છે. આ મામલે વધુ જાણકારી તપાસ બાદ સામે આવી શકે છે.