- ભારતને મળેલા 107 મેડલ્સમાં એક પણ ગુજરાતીનું નામ નથી !
- કેન્દ્ર સરકારે હરિયાણાને રૂ.89 કરોડ આપ્યા તોય ત્યાંથી દેશમાં સૌથી વધુ 44 મેડલ આવ્યા !
- ઓલિમ્પિક- 2036ની તૈયારીઓ વચ્ચે ગુજરાત સ્પોટ્ર્સ ઓથોરિટીમાં જ છે ખાટલે મોટી ખોટ
રમશે ગુજરાત- જીતશે ગુજરાત’ આ ધ્યાનાકર્ષક શબ્દોના સંયોજન સાથે 13 વર્ષથી યોજાઈ રહેલા ખેલમહાકુંભ અને તેની પાછળ કરોડો રૂપિયાનું રોકાણ છેવટે બિનઅસરકારક નિવડી રહ્યુ છે. કારણ કે, ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સ- 2023માં ભારતે મેળવેલા 28 ગોલ્ડ સહિત 107 મેડલ્સમાં ગુજરાતને એક પણ મેડલ મળ્યો નથી ! ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ગતવર્ષે સ્પોટર્સ સેક્ટરના વિકાસ માટે ગુજરાતને સૌથી વધુ રૂપિયા 608 કરોડ આપ્યા હોવા છતાંયે એશિયન ગેમ્સમાં 107 મેડલ વિજેતીઓમાં એક પણ ગુજરાતીનું નામ આવ્યુ નથી. જેના કારણે સોશિયલ મીડિયામાં અને રમતગમત ક્ષેત્રના ખેલાડીઓમાં ગુજરાતમાં ચાલી રહેલી સ્પોટ્ર્સ એક્ટિવિટી અને સરકારી પ્રયાસો મુદ્દે ભારે ટીકાઓ થઈ રહી છે.
વર્ષ 2022માં ભારત સરકારે દેશમાં સ્પોટ્ર્સ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટ માટે 34 રાજ્યોને રૂપિયા 2,754 કરોડ 28 લાખથી વધારે રકમ આપવાનું લોકસભામાં જાહેર કર્યુ હતું. જેમાં સૌથી વધારે ભંડોળ ગુજરાતને રૂ.608 કરોડ 37 લાખ અપાયું હતું. ઓલિમ્પિક- 2036ના આયોજન માટેની જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે આઠ સપ્ટેમ્બરે ચીનમાં સંપન્ન થયેલા એશિયન ગેમ્સમાં ગુજરાતને એક પણ મેડલ મળ્યો નથી. જ્યારે ગુજરાતના સાપેક્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓછુ ભંડોળ પ્રાપ્ત કરનારા હરિયાણા રાજ્યના રમતવીરો 107માંથી સૌથી વધારે 44 મેડલ જીતી લાવ્યા છે. હરિયાણાને ગુજરાતને મળેલા ભંડોળના માત્ર 15 ટકા અર્થાત રૂપિયા 88 કરોડ 89 લાખ મળ્યા છે. માત્ર હરિયાણા જ નહિ, પંજાબ પણ એશિયન ગેમ્સમાં 31 મેડલ જીતી લાવ્યુ છે. તેવી જ રીતે તમિલનાડુના રમતવીરો પણ 21 મેડલ સાથે ભારત પરત ફર્યા છે. અચનાક આ પ્રકારની નિષ્ફળતા અંગે ગુજરાત સ્પોટર્સ ઓથોરિટી- SAGમાં વર્ષોથી ચાલતો અંધેર વહિવટ કારણભૂત હોવાના આક્ષેપો સ્થાનિક રમતવીરો દ્વારા કરાઈ રહ્યા છે. SAGના સંપર્ક કરતા ટોચના અધિકારીએ કહ્યુ કે, ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી આઠ રમતવીરોએ ભાગ લીધો હતો. ભારત સરકાર દ્વારા રૂ.608 કરોડની ફાળવણી થઈ છે તેમાંથી સૌથી વધારે રકમ ઓલિમ્પિક- 2036ના આયોજનની તૈયારી માટે છે. અમદાવાદમાં બની રહેલા સ્પોટ્ર્સ કોમ્પેલેક્સ સંકુલ માટેની છે.
રમતવીરો તૈયાર કરવાને બદલે સ્પોટ્ર્સ કોચ ‘વહીવટ’ કરે છે !
રમતવીરો, સ્પોટર્સ સેક્ટરના તજજ્ઞોના કહેવા મુજબ ગુજરાત સ્પોટ્ર્સ ઓથોરિટી- SAGમાં જ છે ખાટલે મોટી ખોટ છે. આ સંસ્થાનું કામ રાજ્ય માટે શ્રોષ્ઠ રમતવીરો તૈયાર કરવાનું છે, પ્રશિક્ષણ આપવાનું છે. તેના માટે નિયુક્ત કરાયેલા જે તે રમત (સ્પોટર્સ)માં પારંગત કોચ અર્થાત પ્રશિક્ષકને ગ્રાઉન્ડમાં, ફિલ્ડમાં ટ્રેઈનિંગના બદલે રમતગતમ સંકૂલોની વહિવટી કામગીરીમાં જોતરી દેવાયા છે. SAGના 123 જેટલા કોચ રમતવીરો તૈયાર કરવાને બદલે સરકારી વહીવટમાં પ્રવૃત રહેતા આવી સ્થિતિ ઉદ્ભવ્યાનું કહેવાય છે.