- રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં
- આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી
- રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે
રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો વડોદરામાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો તથા આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.
પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ આવ્યો
પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ આવ્યો છે. વરસાદના કારણે વડોદરામાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. વરસાદને કારણે ફરીથી એક વખત શહેરનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ત્યારે આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. શહેરના સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક પલટો આવ્યો અને સમગ્ર વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.
રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ વરસવાની આગાહી
હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જો કે રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ વરસવાની આગાહી છે.