ગુજરાત એ ફાર્માસ્યુટિકલ, રાસાયણિક, ડાય અને ડાય-ઈન્ટરમીડીએટ્સ, કાપડ, સિરામિક, ધાતુ, રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે.આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે, જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDC ફંડ હેઠળ રૂ. ૫.૭૬ કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે.
રાજ્યમાં પર્યાવરણીય ધોરણોનું અમલીકરણ
આ બે મોબાઇલ વાનમાંથી એક વાન ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલી GPCBની પ્રાદેશિક કચેરીઓમાં અમદાવાદ ગ્રામીણ, અમદાવાદ શહેરી, અમદાવાદ પૂર્વ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, આણંદ અને નડિયાદ ખાતે મોનિટરિંગ કામગીરી કરશે. જ્યારે બીજી વાન દક્ષિણ અને મધ્ય ગુજરાતની પ્રાદેશિક કચેરીઓ વડોદરા, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, સુરત, નવસારી, વાપી અને સરીગામમાં હવા અને પાણી ગુણવત્તાની મોનિટરિંગ કામગીરી કરી રહી છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ રાજ્યમાં પર્યાવરણીય ધોરણોનું અમલીકરણ સુનિશ્ચિત કરતી નિયમનકારી સંસ્થા તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે.
નાગરીકોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો ત્વરીત નિકાલ
ગેસ લીક જેવી આકસ્મિક અથવા આપાતકાલીન પરિસ્થિતિઓ સર્જાય ત્યારે આ વાન દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ વાનનો ઉપયોગ કેમિકલ ઉદ્યોગ વિસ્તારો, GIDC, SEZ તથા અન્ય સંભવિત પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. આ વાનના ઉપયોગથી નાગરીકોને પણ અનેક પ્રકારના ભૌતિક તેમજ અભૌતિક લાભો થઇ રહ્યા છે. જેમાં તાત્કાલીક ઘટનાસ્થળે જ વિશ્લેષણ-પૃથ્થકરણ થવાથી નિર્ણય લેવા માટે ઝડપથી કામગીરી થઈ રહી છે. જેથી નાગરીકોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં આ વાન મદદરૂપ થઇ રહી છે.
ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી
આ વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” PM10, PM2.5, સલ્ફર ડાયોક્સાઈડ, નાઇટ્રોજન ઑક્સાઈડ્સ, કાર્બન મોનૉક્સાઈડ, ઓઝોન, એમોનિયા, હાઈડ્રોજન સલ્ફાઈડ, બેન્ઝીન, ઇથાઈલ બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાઈલિન જેવા વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દર્શાવેલા વિસ્તારની હવામાં રહેલી પ્રદૂષણની સ્થિતિ જાણીને તેને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ વાનમાં હવામાં રહેલા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉંડ્સ-VOCs માપવા માટે વિશેષ ડિટેક્ટર તથા અવાજ પ્રદૂષણ માપવા માટે નોઈસ મીટર, તેમજ પાણી તથા ગંદાપાણીના નમૂનાઓમાં રહેલા પ્રદૂષણકારકોની તપાસ કરવાના ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મોબાઇલ વાન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી
અમદાવાદ પૂર્વ ખાતે પ્રાયોગિક ધોરણે આ વાન ચલાવવામાં આવી હતી. ત્યારબાદ તા.૧૫ નવેમ્બર થી ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી વટવા GIDC, નરોડા GIDC, નારોલ તથા ઓઢવના ઔદ્યોગિક વિસ્તાર ખાતે આસપાસની હવાનું મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યુ હતું . જેના આધારે ૦૮ ડિસેમ્બરના રોજ કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.આ બંનેમાંથી એક વાન હાલમાં પ્રાદેશિક કચેરી,ગાંધીનગર અંતર્ગત કલોલ GIDC તેમજ બીજી વાન દક્ષિણ-મધ્ય ગુજરાતના કાર્યક્ષેત્ર હેઠળ અંકલેશ્વર GIDC ખાતે કામગીરી બજાવી રહી છે. રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના મુખ્ય ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની કાર્ય યોજનાની બેઠકનું આયોજન કરીને આ અંગે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આ મોબાઇલ વાનના માધ્યમથી યોજવામાં આવે છે.


