ગૃહમાં કેગ અને ઓડિટનો અહેવાલ રજૂ કરાયો
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
બજાર લોનમાં ૧૬ હજાર કરોડનો તોતીંગ વધારો, યોજનાઓ અને ખર્ચને પહોંચી વળવા વધુ ધિરાણ લીધુ હોવાનો રિપોર્ટમાં ખૂલાસો
કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સહાયમાં પણ ઘટાડો થયાનો દાવો
આદિ જાતિ વિસ્તારોમાં ચાલતી યોજનામાં ગત વર્ષ કરતા રૂ.૨૨૬.૫૬ કરોડનો ઘટાડો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કેગનો રિપોર્ટ જાહેર કરાયો છે. વર્ષ 2024-25નો મહત્વનો CAGનો રિપોર્ટ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજ્યની આર્થિક સ્થિતિ અને વધતા જતા દેવા અંગે કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના જાહેર દેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્યની તિજોરી પરના ભારણને સ્પષ્ટપણે દર્શાવે છે.
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી બજાર લોનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલી કુલ બજાર લોનનો આંકડો 3.11 લાખ કરોડને પાર પહોંચી ગયો છે. જે ગત વર્ષની સરખામણીમાં બજાર લોનમાં પણ 16 હજાર કરોડ રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર પોતાની વિકાસ યોજનાઓ અને ખર્ચને પહોંચી વળવા માટે બજારમાંથી વધુ ધિરાણ લઈ રહી હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે.
2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3.80 કરોડ થયું હતું.
ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ગુજરાતમાં માત્ર દેવું જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સહાયમાં થયેલા ઘટાડા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિવિધ મહત્વની યોજનાઓ માટે કેન્દ્ર તરફથી મળતા નાણાંમાં મોટી કપાત જોવા મળી છે, જેના કારણે રાજ્ય સરકાર બજાર લોન લઈ રહી છે.
કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં ₹1,590.17 કરોડ મળ્યા હતા. જ્યારે વર્ષ 2024-25માં ઘટીને માત્ર 1,363 કરોડ રૂપિયા થયા. આ બન્ને વર્ષમાં મોટો તફાવત જોવા મળ્યા છે અને ફલિત થાય છે કે ગત વર્ષ કરતા ₹226.56 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે.
ગુજરાતની આર્થિક સ્થિતિ પરના તાજેતરના ઓડિટ અહેવાલે રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા પર મહોર લગાવી છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતની માથાદીઠ આવકમાં 9.10% નો મોટો વધારો નોંધાયો છે, જે રાજ્યના નાગરિકોની સમૃદ્ધિમાં થયેલો સુધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2024-25ના આંકડા મુજબ, ગુજરાતનો એકંદર ઘરેલું ઉત્પાદન (GSDP) દર 10.15% રહ્યો છે. તેની સામે કેન્દ્ર સરકારનો જીડીપી (GDP) દર 9.78% નોંધાયો હતો. આમ, રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતનો વિકાસ દર ઘણો વધારે રહ્યો છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલું ઉત્પાદનમાં 14.07% થી ઘટાડો જોવા મળ્યો છે, છતાં તે હાલના સ્તરે પણ સંતુલિત છે.
રાજ્ય સરકારે પોતાના દેવા પર નિયંત્રણ રાખવામાં સફળતા મેળવી છે. વર્ષ 2024-25 માં રાજકોષીય ખાધ 1.81% રહી છે, જે નિયત મર્યાદામાં છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે રૂ. 18,942.42 કરોડની મહેસૂલી પુરાંત મેળવી નાણાકીય સ્થિરતા જાળવી છે. ખર્ચની વાત કરીએ તો, વર્ષ 2023-24 માં કુલ ખર્ચ રૂ. 2,47,631 કરોડ હતો, જે 2024-25 માં 8.46% વધીને રૂ. 2,68,591 કરોડ થયો છે. વિકાસના કામો માટે કરવામાં આવતા મૂડી ખર્ચમાં રાજ્યએ 17.51% ની વૃદ્ધિ નોંધાવી છે. સરકારે કુલ ખર્ચના 24.36% એટલે કે અંદાજે રૂ. 65,428 કરોડ મૂડી ખાતા પર ખર્ચ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે સરકાર માત્ર રોજબરોજના ખર્ચ જ નહીં, પણ લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિ નિર્માણ પર વધુ ધ્યાન આપી રહી છે.
મહેસૂલી આવક સામે વ્યાજનું પ્રમાણ 12.82% સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, જાહેર ઋણના આંકડા મુજબ રાજ્યનું જાહેર દેવું રૂ. 51,253 કરોડ છે, જેની સામે મૂડી ખર્ચ 12.76% નોંધાયો છે. ગુજરાત સરકારના આ નાણાકીય લેખાં-જોખાં સાબિત કરે છે કે રાજ્ય આર્થિક રીતે સધ્ધર બની રહ્યું છે. વધતી માથાદીઠ આવક અને મજબૂત જીડીપીદર સાથે ગુજરાત ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે.
કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
કેગના રિપોર્ટમાં કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ માટે વર્ષ 2023-24માં 7,540 કરોડની ફાળવણી થઈ હતી. જ્યારે વર્ષ 2024-25માં તે ઘટીને 6,712.86 કરોડ થઈ ગઈ છે. કેગનો આ અહેવાલ સૂચવે છે કે એક તરફ રાજ્યના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ કેન્દ્રીય યોજનાઓ હેઠળ મળતી આર્થિક સહાયમાં ઘટાડો થઈ રહ્યો છે.
મહેસુલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો અને આવકમાં 4,208 કરોડનો ઘટાડો
વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતની આર્થિક અને સામાજિક સ્થિતિના આંકડા અનેક મહત્વના પાસાઓ તરફ ધ્યાન દોરે છે. રાજ્યમાં મહેસુલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો અને આવકમાં 4,208 કરોડનો ઘટાડો થતા મહેસુલી પુરાંતમાં 43.41 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. વસ્તીના માળખાની વાત કરીએ તો, ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ વધુ છે; અહીં 50.29 ટકા શહેરી વસ્તી છે જે રાષ્ટ્રીય સરેરાશ (35.70 ટકા) કરતા વધારે છે, જ્યારે ગ્રામ્ય વસ્તી 49.71 ટકા છે. રાજ્યની વસ્તી ગીચતા 373 અને સ્ત્રી-પુરુષનું પ્રમાણ 904 છે, જે બંને રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચું સ્તર દર્શાવે છે. જોકે, આરોગ્ય ક્ષેત્રે બાળ મરણ દર દેશની સરેરાશ ૨૫ કરતા ઓછો હોવો એ એક હકારાત્મક બાબત છે.
સામાજિક સ્તરે રાજ્યમાં સાક્ષરતા દર 84.6 ટકા છે, પરંતુ હજુ પણ 11.66 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. બીજી તરફ, વહીવટી મોરચે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બજેટમાં ઉદાસીનતા જોવા મળી છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવેલી 549.93 કરોડની ગ્રાન્ટમાંથી 218.28 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી છે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બજેટ અંગે સરકારનો ખુલાસો
રાજ્યમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટે ફાળવવામાં આવેલ બજેટનો મોટો હિસ્સો વણવપરાયેલ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ પ્રભાગ માટે કુલ ₹549.93 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, આ ફાળવેલી રકમમાંથી ₹218.28 કરોડ જેટલી માતબર રકમ વપરાયા વિનાની પડી રહી છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલા-વારસાના જતન માટે ફાળવેલ નાણાંનો પૂરેપૂરો ઉપયોગ ન થતા વિપક્ષ દ્વારા આ બાબતે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે આગામી સમયમાં નાણાકીય શિસ્ત અને આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા પર વધુ ધ્યાન આપવું પડી શકે છે. ખાસ કરીને બજાર લોનનું વધતું પ્રમાણ લાંબા ગાળે વ્યાજના બોજમાં વધારો કરી શકે છે.


