- ગુજરાત પોલીસની સખત કાર્યવાહી
- નવરાત્રીના દિવસો દરમિયાન પોલીસે કરી કાર્યવાહી
- 218 આરોપીઓને પોલીસે જેલહવાલે કર્યા
ગુજરાત પોલીસ દ્વારા નવરાત્રીના દિવસોમાં રાજ્યમાં વ્યાપેલા સ્પા કલ્ચરના દૂષણ સામે કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. આ દરમિયાન તા. 18થી 24 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિવિધ શહેરો અને અલગ અલગ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની અમુક આંકડાકીય માહિતી સામે આવી છે. માહિતી અનુસાર કુલ 218 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસતંત્ર સ્પા સંચાલકો વિરુદ્ધ તૂટી પડ્યું હતું. સ્પાના દૂષણ સામે પોલીસે કડક હાથે કામ લીધું હતું. આ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા મોટા શહેરોની સાથે જ અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી જેવા અનેક ટિયર ટુ શહેરોમાં પણ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ દરોડાઓમાં લગભગ 100થી વધુ મહિલાઓને દેહવ્યાપારની ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવી હતી જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ હતી.
હાલ આ સ્પેશિય ડ્રાઈવના આંકડાઓ પર નજર કરીએ તો પોલીસે કુલ ગુજરાતભરમાં 3499 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેના સંદર્ભે 241 જેટલી ફરિયાદો પણ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા કુલ 324માંથી 218 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને જાહેરનામાનો ભંગ કરતા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા 32 જેટલા સ્પાના લાયસન્સ રદ્દ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં અનેક શહેરો અને ગામડાઓ સુધી પણ સ્પા સેન્ટરોનું દૂષણ બહુ વ્યવસ્થિત રીતે ફેલાઈ ગયું છે. ગુજરાતના દૂરગામી વિસ્તારોમાં પણ સ્પા કલ્ચરે પોતાની હાજરી નોંધાવી દીધી છે. ઘણી જગ્યાઓ પર મસાજ પાર્લરના ઓઠા હેઠળ દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવાતી હોવાની તંત્રને બાતમી મળી હતી અને ઘણીવાર આવી ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેને લઈને ઉહાપોહ થતો હોય છે પરંતુ કાર્યવાહી થતી નહોતી. જો કે આ વખતે સ્પેશિયલ ડ્રાઈવની અંદર પોલીસે ખૂબ જ કડક હાથે કામ લીધું છે અને અનૈતિક કામ કરનાર સ્પા સંચાલકોને જેલ હવાલે કર્યા છે. આ ડ્રાઈવથી ગેરકાયદે કામ કરનાર લોકોમાં કાયદાનો ભય પેસી ગયો છે.