- બિલ્કિસ બાનુ કેસમાં SCના આદેશથી 11 દોષિતોએ શરણાગતિ સ્વીકારેલી
- પ્રદીપ મોઢિયાના સસરાનું નિધન થતા HCએ પાંચ દિવસના પેરોલ આપ્યા
- જસ્ટિસ એમ.આર.મેંગડેએ કેદીના પાંચ દિવસના પેરોલ મંજૂર રાખ્યા હતા
બિલ્કિસ બાનુ કેસમાં 11 દોષિતોને સજા માફી સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ તેઓના ગોધરા જેલમાં શરણાગતિના પખડવાડિયા બાદ એક દોષિત પ્રદીપ રામલાલ મોઢીયાને ગુજરાત હાઇકોર્ટે પાંચ દિવસના પેરોલ પર મુકત કરવાન હુકમ કર્યો હતો. અરજદાર કેદીના સસરાના નિધનના શોક પ્રસંગને લઇ જસ્ટિસ એમ.આર.મેંગડેએ તેના પાંચ દિવસના પેરોલ મંજૂર રાખ્યા હતા.
હાઇકોર્ટે કેદી તરફ્થી તેના સસરાના નિધન અંગેના મૃત્યુ પ્રમાણપત્ર અને જેલ અધિકારીના નિવેદન સહિતની બાબતોની ખરાઇ બાદ પેરોલ મંજૂર કર્યા હતા. પેરોલની મુદત પૂરી થાય કે તે પહેલાં જેલ ઓથોરિટી સમક્ષ શરણાગતિ સ્વીકારવા પણ હાઇકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટમાં અગાઉના સોગંદનામા મુજબ, કેદી મોઢીયા કુલ 1041 દિવસ માટે પેરોલ પર અને અન્ય 233 દિવસ ર્ફ્લો પર બહાર રહ્યો. કારણ કે, તે જાન્યુઆરી-2008થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ગોધરાકાંડ બાદ વર્ષ 2002ના કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારજનોની હત્યાના કેસમાં 11 દોષિતોને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફ્ટકારી હતી. જેલમાં તેઓની સારી વર્તણૂંક અને 1992ની નીતિ મુજબ, આ તમામને ગુજરાત સરકારે સજા માફીનો લાભ આપ્યો હતો. તેની સામે બિલ્કિસબાનુ તથા અન્યોએ સુપ્રીમકોર્ટમાં પિટિશન કરતાં સુપ્રીમકોર્ટે તમામ 11 કેદીઓની સજા માફીનો નિર્ણય રદબાતલ ઠરાવ્યો હતો.


